ડેટા ગેઝ
સ્ક્રીન પર દેખાતા આંકડાઓમાં જ આખી દુનિયા સમાઈ ગઈ છે એવો ભ્રમ એટલે ડેટા ગેઝ. બ્રિટિશ સમાજશાસ્ત્રી ડેવિડ બીયરે ૨૦૧૮માં આ શબ્દ આપ્યો. ફ્રેન્ચ ફિલસૂફ મિશેલ ફૂકોના ‘મેડિકલ ગેઝ’ પરથી આ વિચાર આવ્યો છે. જેમ જૂના જમાનાનો ડોક્ટર દર્દીના જીવતાજાગતા શરીરને માત્ર હાડકાં, લોહી અને રોગના લક્ષણ તરીકે જ જોતો હતો, તેમ આજની વ્યવસ્થા માણસને માત્ર ડિજિટલ નંબરો, ક્લિક્સ અને મેટ્રિક્સ તરીકે જુએ છે. જે ડેટામાં નથી પકડાતું, તેનું કોઈ અસ્તિત્વ જ નથી એવું માનવું તે આ બીમારી છે.
આ વિચાર અત્યંત ખતરનાક એટલા માટે છે કારણ કે તે શાસન અને નિર્ણયોને સંવેદનાહીન બનાવે છે. ડેટા વસ્તુસ્થિતિ નથી બતાવતો, એ માત્ર એ જ બતાવે છે જે માપી શકાય છે. માણસની લાચારી, ઈર્ષ્યા, અસુરક્ષા કે આશા ક્યારેય એક્સેલ શીટના ખાનાઓમાં કેદ થઈ શકતી નથી. છતાં શાસકો, મેનેજરો અને એનાલિસ્ટો માને છે કે તેમની પાસે ડેટા છે એટલે તેમની પાસે બ્રહ્માંડનું અંતિમ સત્ય છે.
આનું સૌથી મોટું ઉદાહરણ આપણી ચૂંટણીઓ અને રાજકારણ છે. દિલ્હી કે બેંગલુરુની એરકન્ડિશન્ડ કેબિનમાં બેઠેલા ચૂંટણી રણનીતિકારો મતદારોને ફક્ત જાતિના ટકા, વ્હોટ્સએપ ગૃપના એન્ગેજમેન્ટ અને સર્વેક્ષણના આલેખોમાં વહેંચી નાખે છે. સ્ક્રીન પર દેખાય કે અમુક મતવિસ્તારમાં ચોક્કસ જ્ઞાતિના ૪૨ ટકા વોટ છે એટલે જીત નક્કી. પણ જમીન પર જઈને જુઓ તો ખબર પડે કે રસ્તા તૂટેલા છે, દવાખાનામાં કમ્પાઉન્ડર નથી અને યુવાનોના મનમાં સળગતો આક્રોશ છે. આ જીવંત વાસ્તવિકતા એલ્ગોરિધમમાં નોંધાતી નથી.
જ્યારે પરિણામો આવે છે ત્યારે આ ડેટા પંડિતો મોં વકાસીને ટીવી સ્ટુડિયોમાં બેસી રહે છે. કારણ કે તેમણે જનતાને નહીં, પોતાના ડેટા મોડેલને જોઈને ભવિષ્ય ભાખ્યું હતું. જે વસ્તુઓનું વજન થઈ શકે છે તે જ અગત્યની હોય તે જરૂરી નથી.
આંકડા માત્ર રસ્તો બતાવે છે, પગરખાંમાં વાગતી કાંકરીની વેદના એક્સેલ શીટમાં ક્યારેય દેખાતી નથી.