સંવાદિતાપૂર્ણ ધૂન
કોઈ કામ પાછળ પાગલ થવું અને એ કામના ગુલામ બનવું, આ બંને વચ્ચે આકાશ-પાતાળનો ફરક છે. કેનેડિયન મનોવૈજ્ઞાનિક રોબર્ટ વેલરેન્ડે પેશનના બે પ્રકાર પાડ્યા: એક ઓબ્સિસીવ અને બીજું હાર્મોનિયસ. ઓબ્સેસિવ પેશનમાં કામ તમને ચલાવે છે. તમારો અહંકાર, સામાજિક મોભો કે કોઈ અસલામતી તમને દોડાવે છે. હાર્મોનિયસ પેશનમાં તમે કામને નિયંત્રિત કરો છો. તમે કામ પસંદ કરો છો કારણ કે એ તમને જીવંત રાખે છે, બીજાને પ્રભાવિત કરવા માટે નહીં.
આ વિચાર ૨૦૦૩ની આસપાસ મનોવિજ્ઞાનમાં આવ્યો. જ્યારે વ્યક્તિ સંવાદિતાપૂર્ણ રીતે કામ કરે છે, ત્યારે એ પોતાની ઓળખ માત્ર એક લેબલ પૂરતી સીમિત નથી રાખતી. એ કામ કરે છે ત્યારે પૂરા દિલથી ડૂબી જાય છે, પણ કામ પૂરું થયા પછી લેપટોપ બંધ કરીને પરિવાર સાથે હસી પણ શકે છે. એ કામ ન કરી શકે ત્યારે અપરાધભાવ નથી અનુભવતી.
આપણે ત્યાં કોર્પોરેટ વર્તુળોમાં અંધાધૂંધ મહેનતની પૂજા થાય છે. રાતે બે વાગ્યે ઈમેલ મોકલવા કે રવિવારે ઓફિસે જવું એને બહાદુરી ગણવામાં આવે છે. પણ આ જુસ્સો નથી, રોગ છે. જ્યારે પેશન ઓબ્સેસિવ બને છે, ત્યારે તે માણસને અંદરથી બાળી નાખે છે. સામે પક્ષે, સંવાદિતાપૂર્ણ ધૂન માણસને લાંબા ગાળે ટકાવી રાખે છે. તે તણાવ આપવાને બદલે સંતોષ આપે છે.
ધારો કે બેંગલુરુની એક મોટી આઈટી કંપનીમાં નીતિન વાઈસ પ્રેસિડેન્ટ છે. નીતિન માટે કોડિંગ અને પ્રોડક્ટ બનાવવી એ પેશન છે. પણ એ શનિવારે ફોન સાયલન્ટ કરી શકે છે. ટાર્ગેટ પૂરો ન થાય તો એ હતાશ થઈને આખી ટીમ પર તૂટી નથી પડતો. એની ઓળખ કેવળ એની કંપની નથી. એનું કામ એના જીવનનો એક હિસ્સો છે, આખું અસ્તિત્વ નહીં. આ જ સંવાદિતા છે.
જે પેશન તમારું ગળું દબાવીને કામ કરાવે એ ગુલામી છે, જે તમને મુક્ત કરે એ જ સાચો પ્રેમ છે.