← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · અક્કલના નિયમો

શબ્દકોશ પદ્ધતિનો નિર્ણય

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૧૩૨

ડિક્શનરીમાં શબ્દો કેવી રીતે ગોઠવાયેલા હોય છે? પહેલા અક્ષરથી. જો પહેલો અક્ષર સરખો હોય, તો જ બીજો જોવાનો. બીજો સરખો હોય, તો ત્રીજો. આ જ સિદ્ધાંત જ્યારે માણસ પોતાના નિર્ણયોમાં વાપરે ત્યારે તેને આ નિયમ કહેવાય છે. નિર્ણયશાસ્ત્રની ભાષામાં આ એક કઠોર શૉર્ટકટ છે. આપણી પાસે દસ વિકલ્પો હોય, પણ આપણે બધા ગુણોની સરેરાશ કાઢવા બેસતા નથી. આપણે સૌથી મહત્ત્વનો એક જ માપદંડ નક્કી કરીએ છીએ. જે વિકલ્પ એમાં જીતે, એ ફાઇનલ. બાકીના બધા ગુણો કચરાપેટીમાં.

આ વિચાર અર્થશાસ્ત્ર અને ગ્રાહક મનોવિજ્ઞાનમાં દાયકાઓથી ભણાવાય છે. તેનો કોઈ એક ચોક્કસ શોધક નથી, ગણિતના શબ્દકોશ ક્રમ પરથી આ મોડેલ વિકસ્યું છે. સામાન્ય રીતે અર્થશાસ્ત્રીઓ માને છે કે માણસ બધું તોલીને નિર્ણય લે છે. ફાયદા અને ગેરફાયદાની બેલેન્સ શીટ બનાવે છે. વાસ્તવિકતા સાવ જુદી છે. આપણું મગજ આળસુ છે અને સમય ઓછો છે. એટલે આપણે જટિલ ગણતરીઓ બાજુ પર મૂકીને માત્ર એક જ પ્રાથમિકતા પકડી રાખીએ છીએ. જો બે વિકલ્પો વચ્ચે પહેલા માપદંડમાં ટાઈ પડે, તો જ નજર બીજા નંબરના લક્ષણ પર જાય છે.

આ નિયમ સારો પણ છે અને જોખમી પણ. ઝડપી નિર્ણયો માટે આ ઉત્તમ હથિયાર છે, પણ આમાં મોટો અંધાપો છુપાયેલો છે. આને ગેર-વળતરકારી નિયમ કહે છે, એટલે કે એક મોટો ગેરફાયદો બીજા દસ સારા ફાયદાઓથી ઢંકાતો નથી. તમે ફ્લેટ લેવા નીકળ્યા હો અને મનમાં એક જ ટેક હોય કે 'લિફ્ટ હોવી જ જોઈએ'. હવે કોઈ તમને અડધી કિંમતે બંગલો આપે તોય તમે ઠોકરે મારો, કારણ કે એમાં લિફ્ટ નથી. એક જ જિદ્દ આખી સમજદારી પર ભારે પડી જાય છે.

સુરતના કાપડ બજારમાં આ રોજિંદો તમાશો છે. ધારો કે મહિધરપુરા કે રિંગ રોડનો એક મોટો વેપારી મિલમાંથી ગ્રે કાપડ ખરીદવા બેઠો છે. તેના મગજમાં એક જ પ્રાથમિક માપદંડ ફિટ છે: ઉધારની મુદત. જે મિલવાળો ૯૦ દિવસની ક્રેડિટ આપશે, માલ એનો જ લેવાશે. સામેવાળો કાપડની ક્વોલિટી સો ટકા ઉત્તમ આપતો હોય, ભાવ પાંચ રૂપિયા સસ્તો આપતો હોય, પણ જો એ ૩૦ દિવસમાં પેમેન્ટ માગે તો સુરતી વેપારી એની સામુંય ન જુએ. બીજો વેપારી ભંગાર ક્વોલિટી આપશે પણ ૯૦ દિવસ આપશે, તો સોદો એની સાથે પાકો થશે. ક્વોલિટી કે નફાનો વિચાર ત્યારે જ આવે જો બંને મિલો સરખી મુદત આપતી હોય.

જીવનમાં જ્યારે એક જ શરત સર્વોપરી બની જાય, ત્યારે શ્રેષ્ઠ વિકલ્પો ઘણીવાર બહાર જ ઊભા રહી જાય છે.

અક્કલના નિયમો
← પહેલું પ્રકરણસપાટીનો નિયમઆગલું પ્રકરણ →જૂઠાનો નફો