રબર ડક પદ્ધતિ
મનમાં ગૂંચવાયેલી સમસ્યા કાગળ પર ઉતારતાં જ અડધી ઉકલી જાય છે. આ જૂની વાત છે. આ પદ્ધતિ એનાથી એક ડગલું આગળ વધે છે. જ્યારે તમે કોઈ મુશ્કેલ કોયડામાં અટવાઈ જાઓ, ત્યારે કોઈ જીવતા માણસ પાસે જવાની જરૂર નથી. તમારા ટેબલ પર એક નિર્જીવ રમકડું મૂકો. પીળા રંગનું રબરનું બતક. પછી તે રમકડાને મોટેથી આખી સમસ્યા વિગતવાર સમજાવો. એકેએક લીટી, એકેએક દલીલ. આશ્ચર્ય એ થશે કે સામી વ્યક્તિ કોઈ ઉત્તર આપે તે પહેલાં જ તમારા પોતાના મગજમાં બત્તી થઈ જશે.
આ વિચાર સોફ્ટવેર એન્જિનિયરિંગમાંથી આવ્યો. એન્ડ્રુ હન્ટ અને ડેવિડ થોમસના ૧૯૯૯ના જાણીતા પુસ્તક 'ધ પ્રગ્મેટિક પ્રોગ્રામર'માં આ કિસ્સો પહેલી વાર નોંધાયો. એક કુશળ પ્રોગ્રામર પોતાના ડેસ્ક પર હંમેશાં રબરનું બતક રાખતો. કોડમાં કોઈ મોટી ભૂલ આવે ત્યારે તે બતકને લાઈન-બાય-લાઈન કોડ મોટેથી સમજાવતો. મોટા ભાગે સમસ્યાનું સમાધાન પોતાની જીભ હલતાં જ જડી જતું. આ કોઈ જાદુ નથી. મનોવિજ્ઞાન છે. જ્યારે આપણે બીજાને સમજાવવા માટે અવાજ કાઢીએ છીએ, ત્યારે મન પોતાના જૂના પૂર્વગ્રહો છોડીને ક્રમબદ્ધ રીતે વિચારવા મજબૂર બને છે.
આપણે ઘણી વાર ઓફિસમાં બીજા સાથીદારનો સમય બગાડીએ છીએ. એને આખી વાત અડધી કહીએ ત્યાં જ આપણને આપણી મૂર્ખાઈ સમજાઈ જાય છે. પછી આપણે કહીએ છીએ, ‘વાંધો નહીં, મને રસ્તો મળી ગયો.’ સામેવાળાનો સમય વ્યર્થ ગયો. પોતાના મગજના અવાજને કાન સુધી પહોંચાડવા માટે કોઈ જીવતા માણસની બલિ ચડાવવાની જરૂર નથી. કોઈ પણ નિર્જીવ વસ્તુ ચાલશે.
ન્યૂ જર્સી કે લંડનમાં બેઠેલો આપણો ગુજરાતી આઈટી કન્સલ્ટન્ટ દર અઠવાડિયે અમદાવાદ ફોન કરે છે. કાકા કે મામા સાથે અડધો કલાક ટેક્સ, પ્રોપર્ટી કે નવા ગ્રીન કાર્ડના કાયદાની ચર્ચા કરે છે. કાકાને અમેરિકન ટેક્સ સિસ્ટમમાં કશી ગતાગમ પડતી નથી. તેઓ માત્ર હુંકારો ભણે છે. પણ ફોન મૂકતી વખતે ભત્રીજો બોલે છે, ‘કાકા, તમારી સાથે વાત કરીને મગજ એકદમ સાફ થઈ ગયું!’ વાસ્તવમાં કાકા માત્ર એક દેશી રબર ડક હતા.
સાચી સલાહ કોઈ આપતું નથી, આપણી પોતાની વાતો સાંભળવા માટે જ આપણે માણસો શોધીએ છીએ.