સ્પિન ડિક્ટેટર્સ
વીસમી સદીના સરમુખત્યારો લોહી વહાવતા હતા. વિરોધીઓને સીધા જેલમાં ધકેલતા કે ગોળીએ વિંધી નાખતા. એકવીસમી સદીનો તાનાશાહ સ્માર્ટ છે. તે લશ્કરી વર્દી પહેરતો નથી, મોંઘા સુટ પહેરે છે. તે અખબારો બંધ નથી કરાવતો, અખબારો ખરીદી લે છે. આ નવો અવતાર એટલે 'સ્પિન ડિક્ટેટર'. રશિયન અર્થશાસ્ત્રી સર્ગેઈ ગુરિયેવ અને અમેરિકન પોલિટિકલ સાયન્ટિસ્ટ ડેનિયલ ટ્રેઈસમેને ૨૦૨૨ના પુસ્તકમાં આ ખ્યાલ આપ્યો. આજના સરમુખત્યારો જુલમથી નહીં, પણ જનસંપર્ક અને માહિતીના મઠારવાથી સત્તા ભોગવે છે.
જૂના ડિક્ટેટર ડર પેદા કરતા. નવા સ્પિન ડિક્ટેટર પોતાની લોકપ્રિયતાનું ચિત્ર ઊભું કરે છે. તેઓ ચૂંટણીઓ કરાવે છે, પણ વિપક્ષને મીડિયા કે કાયદાની આંટીઘૂંટીમાં ફસાવીને અપ્રસ્તુત કરી દે છે. સેન્સરશિપ દેખીતી નથી હોતી. ટીકાકારો પર દેશદ્રોહ કે ટેક્સ ચોરીના કેસ ઠોકી બેસાડવામાં આવે છે, જેથી બહારની દુનિયાને લાગે કે બધું કાયદા પ્રમાણે જ ચાલે છે. વિરોધને કચડી નાખવાને બદલે તેનું ધ્યાન ભટકાવી દેવું એ એમની અસલી કળા છે. આ લોકો પોતાની પ્રજાને સાચું શું છે તે વિચારવા દેવા જેટલો પણ નવરો સમય આપતા નથી.
આ વૃત્તિ માત્ર રાષ્ટ્રો ચલાવતા નેતાઓમાં નથી, આપણી વ્યવસ્થાના નાના ખૂણાઓમાં પણ ફેલાયેલી છે. કોઈ સરકારી બોર્ડ કે સચિવાલયના વરિષ્ઠ કમિશનર કે સચિવને જુઓ. જૂના જમાનાનો અફસર ટેબલ પછાડીને ફાઈલ ફેંકતો. આજનો ચતુર બાબુ ક્યારેય અવાજ ઊંચો કરતો નથી. તે મોં પર મીઠું સ્મિત રાખશે. જો કોઈ પ્રમાણિક જુનિયર અફસર ગેરરીતિ સામે અવાજ ઉઠાવે, તો તેને ધમકાવવાને બદલે નિયમોની એવી આંટીઘૂંટીમાં ફસાવશે કે તેનો શ્વાસ રુંધાઈ જાય. તેને કોઈ નકામી કમિટીના ચેરમેન બનાવી દેશે અથવા મીડિયામાં પ્રેસનોટ મોકલીને સાબિત કરી દેશે કે ખાતામાં તો બધું સંપૂર્ણ પારદર્શક ચાલી રહ્યું છે.
સ્પિન ડિક્ટેટરશીપ પકડવી અઘરી છે કારણ કે તે લોકશાહીના મુખોટા પાછળ સંતાયેલી હોય છે. જે તંત્ર બધું સારું હોવાનો સૌથી વધુ પ્રચાર કરે, સમજવું કે ત્યાં જ સૌથી વધુ સડો છે. દંડો ઉગામ્યા વગર ગુલામ બનાવવાની આ સૌથી આધુનિક ટેકનિક છે.
જે સરમુખત્યાર તમને ડરાવતો નથી પણ ભ્રમમાં રાખે છે, તે લોહી પીધા વગર તમારી આખી વિચારશક્તિ ચૂસી જાય છે.