← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · વિચારનો વેપાર

શંકાનો વાયરસ

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૨૧૦

માણસ ટેવાઈ જનારું પ્રાણી છે. જૂની તકલીફો સાથે જીવતાં આપણને વાર નથી લાગતી. ધીમું પંખો, ખખડતી બારી કે રોજની કચકચ—આપણે બધું સહન કરી લઈએ છીએ. પછી કોઈ અચાનક આવીને કાનમાં પૂછે છે, ‘તમે આટલું બધું કેમ વેઠો છો?’ બસ, મગજમાં આગ લાગી જાય છે. આ યુક્તિને ‘વાયરસ ઓફ ડાઉટ’ કહે છે. માર્કેટિંગ અને સ્ટોરીટેલિંગની ભાષામાં આ એક ખતરનાક હથિયાર છે. ગ્રાહક જે અગવડને સામાન્ય માનીને બેઠો છે, તેને અચાનક અસહ્ય સાબિત કરી દેવી.

આ વિચાર ટોની ફડેલે પોતાના પુસ્તક ‘બિલ્ડ’માં રજૂ કર્યો હતો. ટોની ફડેલ એટલે આઈપોડ અને નેસ્ટ થર્મોસ્ટેટ બનાવનાર એન્જિનિયર. તેમનો તર્ક સીધો હતો. જ્યાં સુધી લોકોને એમ ન લાગે કે તેમની જૂની રીત સાવ ભંગાર છે, ત્યાં સુધી તેઓ તમારી નવી પ્રોડક્ટ ક્યારેય ખરીદશે નહીં. તમારે સીધો ઉપાય વેચવાનો નથી. પહેલાં તેમના મનમાં પોતાની વર્તમાન પરિસ્થિતિ પ્રત્યે અસંતોષનો વાયરસ છોડવાનો છે. લોકોને ખબર પડવી જોઈએ કે તેઓ રોજ કેવી મુર્ખાઈ સહન કરી રહ્યા હતા.

બિઝનેસ હોય કે સામાન્ય સંબંધો, આ વાયરસ જબરદસ્ત કામ કરે છે. ભારતનો ઘરસંસાર જોઈ લો. સાસુ-વહુ કે પતિ-પત્નીના ઝઘડા આ વાયરસ વગર અધૂરા છે. ધારો કે નવી પરણેલી વહુ સાસરે ખુશ છે. રોજ વહેલા ઊઠીને આખા ઘરની રસોઈ બનાવે છે અને તેને એમાં કશો વાંધો નથી. અચાનક તેની કોઈ હોશિયાર બહેનપણી કે માસી ફોન પર ટાપસી પૂરે છે, ‘આટલા ભણેલા હોવા છતાં તારે રોજ સવારે પાંચ વાગ્યે ચા-નાસ્તો બનાવવા દોડવાનું? તારા સાસુ તને કામવાળી સમજે છે?’

બસ, વાયરસ ફેલાઈ ગયો. જે કામ અત્યાર સુધી સામાન્ય ઘરકામ લાગતું હતું, તે હવે અચાનક શોષણ લાગવા માંડે છે. સાંજ પડતાં સુધીમાં ઘરમાં ક્લેશ ઊભો થઈ જાય છે. સાસુની સાદી સૂચના પણ હવે તાનાશાહી જેવી લાગે છે. કોઈ બહારની વ્યક્તિએ અસંતોષનું એક નાનું બીજ રોપ્યું, અને પલવારમાં સુખી સંસારનું સંતુલન ખોરવાઈ ગયું. ઉત્પાદનો વેચવા માટે બ્રાન્ડ્સ ટીવીની જાહેરાતોમાં બરાબર આ જ ખેલ કરે છે.

જે સમસ્યા તમને ગઈ કાલ સુધી દેખાતી પણ નહોતી, તે અચાનક અસહ્ય લાગે ત્યારે સમજી લેવું કે કોઈએ તમારા મગજમાં વાયરસ છોડ્યો છે.

વિચારનો વેપાર
← પહેલું પ્રકરણસદગુણી શિક્ષણ ચક્રઆગલું પ્રકરણ →દૃશ્યતાની રમત