← મુખપૃષ્ઠ · કાર્ય અને ઉત્પાદકતા

ચમત્કાર: ભગવાનને નહીં, આપણને જોઈએ છે

૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬નિબંધ

**The Miracle Business | ચમત્કાર: ભગવાનને નહીં, આપણને જોઈએ છે**

પરાગ રતનપરા

હમણાં "હનુમાન અંશ" જોઈ. નીમ કરોલી બાબાની વાત છે, અને સાચું કહું તો ફિલ્મ સરસ બની છે. થિયેટરમાં મારી બાજુવાળા કાકા અઢી કલાક હાથ જોડીને બેઠા હતા, આંખમાં પાણી. ઇન્ટરવલમાં એ જ કાકા પોપકોર્નવાળા સાથે દસ રૂપિયા માટે ઝઘડતા હતા. શ્રદ્ધા અને છૂટા પૈસા, આપણે ત્યાં બંને પોતપોતાની જગ્યાએ સલામત છે.

બાબાની સૌથી જાણીતી કથા ટ્રેનવાળી છે. ટિકિટ વગરના સાધુને ટીસીએ ઉતારી મૂક્યા, અને પછી ટ્રેન ચાલી જ નહીં. માફી માંગીને પાછા બેસાડ્યા ત્યારે ચાલી. આપણા દેશમાં ટ્રેન ચમત્કાર વગર પણ નથી ચાલતી એ જુદી વાત છે, પણ સવાલ એ છે કે આ વાર્તા આપણને આટલી વહાલી કેમ લાગે છે?

પહેલું કારણ: લાચારી. જિંદગીના નિયમો બહુ કડક છે. બીમારી, દેવું, બોર્ડનું રિઝલ્ટ, અમેરિકાનો વિઝા. ચમત્કાર એટલે એવી આશા કે નિયમ મારા માટે થોડો વાંકો વળી શકે છે. ભારતીય માણસ માટે આ ખ્યાલ નવો નથી. આપણે એને "ઓળખાણ" કહીએ છીએ. ચમત્કાર એટલે બ્રહ્માંડની ઓફિસમાં ઓળખાણ. લાઇનમાં ઊભા રહેવું નથી, સાહેબને સીધો ફોન કરવો છે.

બીજું કારણ: યાદશક્તિ. "એક સાધુએ આખી જિંદગી ભૂખ્યાને જમાડ્યા" એ વાક્ય કોઈ ફોરવર્ડ નથી કરતું. "સાધુએ ટ્રેન રોકી દીધી" એ રાત સુધીમાં ચાલીસ ગ્રુપમાં પહોંચી જાય. મનોવિજ્ઞાનીઓ કહે છે કે જે વાર્તા કુદરતનો એક જ નિયમ તોડે, એ મગજમાં સૌથી વધારે ચોંટે છે. બધા નિયમ તોડે તો કાર્ટૂન, એકેય ન તોડે તો સમાચાર. એક તોડે તો ધર્મ.

ત્રીજું કારણ: આપણો હિસાબ. માનતા ફળી તો ચમત્કાર. ન ફળી તો "મારી શ્રદ્ધામાં જ ખોટ હશે." ભગવાનનું ખાતું કદી ખોટમાં જતું નથી. આવી બેલેન્સશીટ કોઈ સી.એ. પણ ન બનાવી શકે.

ચોથું કારણ: સર્ટિફિકેટ. ડિગ્રી વગર ડોક્ટર નહીં, ચમત્કાર વગર સંત નહીં. માણસ સારો છે એટલું પૂરતું નથી. એણે કંઈક ઉડાડવું પડે, રોકવું પડે, પ્રગટ કરવું પડે. ભલાઈ આપણને પ્રભાવિત નથી કરતી, સ્પેશિયલ ઇફેક્ટ કરે છે.

હવે સૌથી મોટી મજાક. ત્રણેય ધર્મના ઊંડા માણસોને ચમત્કાર ખાસ ગમ્યા નથી.

પતંજલિએ યોગસૂત્રમાં સિદ્ધિઓને સમાધિના રસ્તાનું વિઘ્ન ગણાવી છે. એટલે કે જે વસ્તુ માટે આપણે આશ્રમની બહાર લાઇન લગાવીએ છીએ, એને યોગનો મૂળ ગ્રંથ "રસ્તાનો ખાડો" કહે છે.

ઈસુ પાસે લોકોએ નિશાની માંગી ત્યારે એમણે કહ્યું કે દુષ્ટ પેઢી જ નિશાની શોધે છે. અને થોમસને કહ્યું: ધન્ય છે એ જેણે જોયું નથી છતાં માન્યું.

કુરાનમાં લોકો પયગંબર પાસે માંગણી કરે છે: જમીનમાંથી ઝરણું કાઢો, આકાશમાં ચડી બતાવો. જવાબ મળે છે: હું તો ફક્ત એક માણસ છું, સંદેશવાહક. સૂફી પરંપરામાં તો કહેવાય છે કે કોઈને હવામાં ઊડતો જુઓ તો પણ અંજાઈ ન જતા, પહેલાં જોજો કે એ જમીન પર કેમ જીવે છે.

અને બાબા પોતે? એમનો ઉપદેશ આટલો જ હતો: સૌને પ્રેમ કરો, સૌની સેવા કરો, ભગવાનને યાદ કરો. આપણને યાદ શું રહ્યું? ટ્રેન.

કારણ સીધું છે. સેવા કરવામાં મહેનત પડે. અંજાઈ જવું મફત છે.

ચમત્કારનું ઊંડું રહસ્ય આ છે: એ ભગવાનની જરૂરિયાત નથી, આપણી છે. પુરાવા વગર માનવું એ કામ છે, અને આપણને કામ ગમતું નથી. ઉપરથી ચમત્કાર આપણને છૂટ આપે છે: "બાબા કરશે." આખું વરસ ચોપડી ન ખોલનાર છોકરો પરીક્ષાના આગલા શનિવારે હનુમાનજીને તેલ ચડાવે છે. એ ભક્તિ નથી, આઉટસોર્સિંગ છે.

ગૂઢ પરંપરાઓ ચમત્કારને બીજી રીતે વાંચે છે. એમને મન ટ્રેન રોકાવી એ ઘટના નથી, ઇશારો છે: જેને તમે ટિકિટ વગરનો ગણીને ઉતારી મૂકો છો, કદાચ એના વગર તમારી ગાડી ચાલવાની નથી. પણ ઇશારો સમજવો અઘરો છે. તાળી પાડવી સહેલી છે.

સૌથી મોટો ચમત્કાર તો એ છે કે આટલા ચમત્કારો જોયા, સાંભળ્યા અને ફોરવર્ડ કર્યા પછી પણ માણસ જરાય બદલાતો નથી. અઢી કલાક હાથ જોડે છે, અને ઇન્ટરવલમાં દસ રૂપિયા માટે લડે છે.

**સાચી પણ વિચિત્ર હકીકતો**

- ચમત્કારની ફિલ્મનો પોતાનો ચમત્કાર: "હનુમાન અંશ" ₹2 કરોડથી ઓછા બજેટમાં બની અને 40 દિવસમાં દુનિયાભરમાં ₹291.40 કરોડ કમાઈ. મુખ્ય અભિનેતા બીમાર પડ્યા ત્યારે ફિલ્મના સેકન્ડ આસિસ્ટન્ટ ડિરેક્ટરને જ બાબાનો રોલ મળ્યો.
- વેટિકનમાં કોઈને સંત જાહેર કરવા સામાન્ય રીતે બે પ્રમાણિત ચમત્કાર જોઈએ, અને એની તપાસ ડોક્ટરોની પેનલ કરે છે. સદીઓ સુધી ત્યાં "ડેવિલ્સ એડવોકેટ" નામનો હોદ્દો હતો, જેનું કામ જ ચમત્કારમાં ભૂલ શોધવાનું હતું.
- સ્ટીવ જોબ્સ 1974માં બાબાને મળવા કૈંચી ધામ પહોંચ્યા ત્યારે બાબા આગલા વરસે જ દેહ છોડી ચૂક્યા હતા. ચમત્કાર ન મળ્યો, એટલે પાછા જઈને એપલ બનાવી.

પરાગ રતનપરા

If you like it, please share it.

#PsychologyOfMiracles #HanumanAnsh #FaithAndReason #IndianSociety #ચમત્કાર #શ્રદ્ધા #નીમકરોલીબાબા #સમાજદર્પણ

પૈસાધર્મ
← પહેલો લેખ2Ps vs 4Ps: ચાર 'P' ચોપડીમાં, બે 'P' બજારમાંઆગલો લેખ →જે માણસ ડગતો નથી