વંદો અને AI: પેપર માટે લડાઈ, જ્યારે આખો પરીક્ષાખંડ જ સળગી રહ્યો છે
**Cockroach in the Age of AI: Fighting Over a Paper When the Exam Hall Itself Is Burning**
**વંદો અને AI: પેપર માટે લડાઈ, જ્યારે આખો પરીક્ષાખંડ જ સળગી રહ્યો છે**
પરાગ રતનપરા
ભારતમાં ક્રાંતિ હંમેશાં અપમાનથી શરૂ થાય છે. ભગતસિંહને અંગ્રેજોએ અપમાનિત કર્યા, ગાંધીજીને ટ્રેનમાંથી ઉતાર્યા, અને ૨૦૨૬માં આપણી Gen Zને દેશના ચીફ જસ્ટિસે (એવું યુવાનોએ સાંભળ્યું) "વંદા" કહ્યા. ફરક એટલો કે ગાંધીજીએ જવાબમાં સત્યાગ્રહ શરૂ કર્યો, અને આપણા યુવાનોએ Instagram પેજ.
૧૫ મે, ૨૦૨૬એ કોર્ટમાં એક ટિપ્પણી થઈ. પછીથી સ્પષ્ટતા આવી કે વાત નકલી ડિગ્રીવાળાઓની હતી. પણ ભારતમાં સ્પષ્ટતા એ લગ્નમાં પીરસાતી છેલ્લી મીઠાઈ જેવી છે, ત્યાં સુધીમાં બધા ઊભા થઈ ગયા હોય. બીજે જ દિવસે, ૧૬ મેએ, બોસ્ટનમાં બેઠેલા ત્રીસ વર્ષના અભિજીત દિપકેએ "કોકરોચ જનતા પાર્ટી" લોન્ચ કરી. ટેગલાઈન? "આળસુ અને બેરોજગારોનો અવાજ." અઠવાડિયામાં કરોડ-દોઢ કરોડ ફોલોઅર્સ, દુનિયાની સૌથી મોટી પાર્ટી કહેવાતા ભાજપ કરતાં પણ વધારે.
વિચારો, જે દેશમાં યુવાનોને નોકરી નથી મળતી, ત્યાં એ જ યુવાનોએ એક અઠવાડિયામાં સૌથી ઝડપી "ભરતી" કરી બતાવી. ફક્ત પગાર નહોતો. જોકે બેરોજગારને એ ક્યાં નવું છે?
પછી NEETનું પેપર ફૂટ્યું. આશરે ૨૩ લાખ વિદ્યાર્થીઓ, જેમણે બે-ત્રણ વર્ષ કોટાના એક રૂમમાં, મમ્મીના ફોન અને પપ્પાના EMI વચ્ચે, પોતાની યુવાની ગીરવે મૂકી હતી, એમની મહેનત કોઈના ટેલિગ્રામ ગ્રુપમાં PDF બનીને ફરવા લાગી. ગુસ્સો સાચો હતો. પીડા સાચી હતી. કેટલાક ઘરોમાં તો દીકરા-દીકરી જ પાછા ન આવ્યા, એ દુઃખની મશ્કરી કોઈ લેખક ન કરી શકે.
મીમમાંથી આંદોલન રસ્તા પર આવ્યું. જંતર-મંતર પર થાળી-ચમચી વાગી, એ જ થાળીઓ જે કોરોનામાં સરકારના કહેવાથી બાલ્કનીમાં વગાડી હતી. ઈતિહાસ પોતાને દોહરાવે છે, પહેલી વાર તાળી તરીકે, બીજી વાર તમાચા તરીકે. પોલીસે લાઠી ચલાવી, પોલીસે કહ્યું "અમે તો પ્રોફેશનલી હેન્ડલ કર્યું." ભારતમાં "પ્રોફેશનલ" શબ્દનો આ સૌથી સર્જનાત્મક ઉપયોગ હતો. અહેવાલ મુજબ આખરે શિક્ષણમંત્રીની ખુરશી ગઈ. વંદો જીત્યો.
હવે અહીંથી મારો સવાલ શરૂ થાય છે, અને એ સવાલ થોડો કડવો છે.
**મૂળ કારણ શું છે? પેપર ફૂટવું, કે પેપરનું આટલું કીમતી હોવું?**
ફર્સ્ટ પ્રિન્સિપલથી વિચારો. પરીક્ષા એટલે શું? એક ચાળણી. લાખો લોકો, સીટ મુઠ્ઠીભર. જ્યાં માલ ઓછો અને ઘરાક વધારે, ત્યાં કાળાબજાર થાય જ. કાંદા મોંઘા થાય તો સંગ્રહખોરી થાય, સીટ મોંઘી થાય તો પેપર ફૂટે. પેપર લીક એ ભ્રષ્ટાચારનું કારણ નથી, અછતનું પરિણામ છે. તમે મંત્રી બદલો, પેપરસેટર બદલો, ટેલિગ્રામ બંધ કરો (હા, એ પણ થયું), પણ જ્યાં સુધી એક ત્રણ કલાકનું પેપર એક માણસની આખી જિંદગી નક્કી કરે છે, ત્યાં સુધી કોઈક તો એ પેપર વેચશે જ.
અને હવે આવે છે AI.
આખી ભારતીય શિક્ષણ વ્યવસ્થા એક જ ધારણા પર ઊભી છે: "જેને વધારે યાદ છે, એ વધારે લાયક." NEET, JEE, UPSC, GPSC, બધું એક વિશાળ યાદશક્તિ સ્પર્ધા છે. આપણે બાળકોને ચાલતા-ફરતા ગૂગલ બનાવવા માટે પંદર વર્ષ ઘસ્યા. અને બરાબર એ જ વખતે, ખિસ્સામાં એક મશીન આવી ગયું જે ગૂગલ કરતાં પણ વધારે જાણે છે, થાક્યા વગર, ટ્યુશન ફી વગર, અને મમ્મીના ટોણા વગર.
એટલે વંદા જનતા પાર્ટીની લડાઈ શેની છે? "અમારી દોડ ન્યાયી રાખો." બરાબર. પણ ભાઈ, જે ટ્રેક પર દોડ છે, એ ટ્રેક જ JCB ખોદી રહ્યું છે. આપણે એ વાત પર લાઠી ખાઈએ છીએ કે ટાઈપરાઈટરની પરીક્ષા પ્રામાણિક હોવી જોઈએ, જ્યારે બહાર કોમ્પ્યુટર આવી ગયું છે.
**સમાજનો દંભ: જે કહે, તે કરે નહીં**
હવે આપણી વાત, કારણ કે આ નિબંધ ફક્ત સરકાર વિશે નથી, તમારા વિશે પણ છે.
જે કાકા વોટ્સએપ પર "પેપર લીક શરમજનક છે" ફોરવર્ડ કરે છે, એ જ કાકા દીકરાના એડમિશન માટે "કોઈ ઓળખાણ છે?" પૂછતા ફરે છે. જે સમાજ યુવાનોને "આળસુ" કહે છે, એ જ સમાજ એમને પાંચ વર્ષ કોચિંગમાં બેસાડી રાખે છે અને કહે છે "એક વર્ષ ડ્રોપ લે, શું ફરક પડે?" જે માતા-પિતા "બાળકને જે ગમે એ કરવા દો" ભાષણ આપે છે, એ જ મનમાં ત્રણ જ વિકલ્પ રાખે છે: ડૉક્ટર, એન્જિનિયર, અથવા "સરકારી નોકરી."
અને યુવાનો? એમનો દંભ પણ ઓછો નથી. પોતાને ગર્વથી "આળસુ" કહે છે, પણ માંગે છે સરકાર પાસેથી સલામતી. રીલ્સ પર ક્રાંતિ કરે છે, અને ચૂંટણીના દિવસે "વોટ આપવા ગામ કોણ જાય?" ફોલોઅર્સ કરોડમાં, બૂથ પર કાર્યકર શોધો તો ગણ્યાગાંઠ્યા. Instagram પર લાઈક એ ક્રાંતિ નથી, એ ક્રાંતિનું ટ્રેલર છે, અને ભારતમાં ઘણી ફિલ્મો ટ્રેલર પછી રિલીઝ જ નથી થતી.
સરકારની વાત તો શું કરવી. જે સરકાર "ડિજિટલ ઈન્ડિયા"ના ગુણગાન ગાય છે, એ જ પેપર સાચવવામાં ટ્રક અને તાળાના યુગમાં જીવે છે. અને જ્યારે ગુસ્સો ઉઠે,