← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · મગજનો નકશો

તળેલી બ્રોકોલી સિદ્ધાંત

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૧૫૯

બ્રોકોલી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, પણ સ્વાદમાં મોળી અને અણગમતી લાગે છે. જો તમે એને બેસનમાં લપેટીને તેલમાં તળી કાઢો, તો શું થાય? સ્વાદિષ્ટ ભજીયું બની જાય, પણ અંદર રહેલાં બધાં પોષક તત્ત્વો તેલના થરમાં દબાઈને નકામા થઈ જાય. વિચાર સીધો છે: કોઈ કડવી, બોરિંગ કે જરૂરી વસ્તુને લોકોને પચાવવા ખાતર એટલી બધી શણગારી દેવી કે તેનો મૂળ હેતુ જ નાશ પામે.

આ શબ્દ કોઈ જાણીતા મનોવૈજ્ઞાનિક કે અર્થશાસ્ત્રીએ ઘડ્યો નથી. કોઈ ગંભીર પુસ્તકમાં આનો ઔપચારિક ઉલ્લેખ મળતો નથી. આજના વ્યવસાય અને પ્રોડક્ટ ડિઝાઇનની દુનિયામાં વપરાતી આ એક સાદી દેશી કહેવત જેવો ખ્યાલ છે. લોકો સાચી મહેનત કે સાચો સુધારો ઇચ્છતા નથી. એમને ચટાકેદાર પેકેજિંગ જોઈએ છે. મૂળ વિચાર સારો હોય, પણ જ્યારે તેને ખુશામત કે ભપકાદાર આવરણ ચડાવીને વેચવામાં આવે ત્યારે તે પોતાનો મૂળ ગુણ ગુમાવી દે છે.

આ છટકું દરેક જગ્યાએ દેખાય છે. શિક્ષણમાં અઘરા વિષયો શીખવવા માટે એટલી રમતો ઘુસાડી દેવામાં આવે છે કે છોકરો રમે છે પણ ગણિત શીખતો નથી. કોર્પોરેટ કચેરીઓમાં કંટાળાજનક તાલીમોને મનોરંજક ગેમ બનાવી દેવાય છે. પરિણામે મજા આવે છે, પણ પરિણામ શૂન્ય રહે છે. આરોગ્યપ્રદ વસ્તુને જંક ફૂડ બનાવીને વેચવાની આ આખી રમત છે.

આપણી સરકારી બાબુશાહી આ કળામાં માહિર છે. ધારો કે કોઈ જૂની કલેક્ટર કચેરીમાં નાગરિકોના કામ અઠવાડિયાઓ સુધી અટકે છે. ફાઈલો પર ધૂળ બાઝી ગઈ છે. સાચો ઉપાય એ છે કે ફાઈલ પાસ કરવાની પદ્ધતિ બદલવી પડે, કામચોર બાબુઓને દંડ કરવો પડે. પણ તંત્ર શું કરશે? એ આખી કચેરીનું ‘ડિજિટાઇઝેશન’ જાહેર કરશે. કાચના દરવાજા બનશે, ટોકન આપતાં ચમકતાં મશીનો મુકાશે અને એક મોબાઇલ એપ લૉન્ચ થશે. બહારથી બધું આધુનિક લાગશે, પણ એપ્લિકેશન ફોર્મ અંદર જઈને એ જ જૂના બાબુના ટેબલ નીચે અટવાશે. પદ્ધતિની સડો એવો ને એવો રહ્યો, ઉપરથી ટેક્નોલોજીનું બેસન લગાવીને તળી દેવાયો.

કડવી દવાને સાકરનો ઢોળ ચડાવી શકાય, પણ તેને પતાસું બનાવી દેશો તો રોગ ક્યારેય નહીં મટે.

મગજનો નકશો
← પહેલું પ્રકરણઊંડી સાક્ષરતાઆગલું પ્રકરણ →ડિફોલ્ટ પૂર્વગ્રહ