← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · ભ્રમ અને ભેજું

અનુભવનો વિલોપ

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૨૩

જે ચીજ આંખ સામેથી ગાયબ થાય છે, તે ધીમે ધીમે સ્મૃતિમાંથી પણ ભૂંસાઈ જાય છે. અમેરિકન પ્રકૃતિશાસ્ત્રી રોબર્ટ માઈકલ પાઈલે ૧૯૯૩માં આ વિચાર આપ્યો હતો. એમણે જોયું કે શહેરીકરણ વધ્યું તેમ બાળકો માટી, પતંગિયાં અને ખુલ્લાં જંગલોથી વિખૂટાં પડ્યાં. આ માત્ર પ્રકૃતિ છૂટવાની વાત નથી. જ્યારે માણસ કોઈ ચોક્કસ વાસ્તવિક અનુભવથી વંચિત થઈ જાય છે, ત્યારે એને એ અભાવની ખોટ પણ વર્તાતી નથી. વિસ્મૃતિની આ એક ખતરનાક શૃંખલા છે.

આપણે જેને ઓળખતા નથી, એની ચિંતા કેવી રીતે કરી શકીએ? બાળપણમાં જો તમે તળાવમાં પગ બોળીને બેઠા જ ન હો, તો મોટા થઈને સુકાઈ ગયેલા જળાશય માટે તમારું લોહી નહીં ઊકળે. અનુભવ મરે છે એટલે સંવેદના મરે છે. સંવેદના મરે એટલે આખરે જાગૃતિ મરી જાય છે. માણસ સ્ક્રીન પર જોઈને માને છે કે એ દુનિયા જાણે છે. પણ ડિજિટલ પ્રતિબિંબ એ અસલ જીવનનો પર્યાય નથી.

આ વાત કલા અને મનોરંજનમાં બહુ સ્પષ્ટ દેખાય છે. મુંબઈના ફિલ્મ ઉદ્યોગને જુઓ. ત્રણ દાયકા પહેલાંના લેખકો અને દિગ્દર્શકો દેશના નાના કસબાઓમાંથી, રેલવેના જનરલ ડબ્બાઓમાં ધક્કા ખાઈને આવેલા માણસો હતા. એમણે ધૂળ, ગરીબી, લોકલ ટ્રેનની ગંધ અને સાચો કકળાટ જોયો હતો. એટલે એમની વાર્તાઓમાં લોહી-માંસનો ધબકારો હતો. આજના મોટા ભાગના બોલિવૂડ ફિલ્મમેકર્સ બાંદ્રાના એર-કન્ડિશન્ડ એપાર્ટમેન્ટ્સમાં ઊછર્યા છે. એમણે અસલ ભારત ક્યારેય જીવ્યું જ નથી.

પરિણામે, ફિલ્મોમાં ગામડાં કે સામાન્ય માણસની લાચારી પણ વિદેશી ફિલ્મોની નકલ જેવી પ્લાસ્ટિક લાગે છે. લેખક પોતે વાસ્તવિક જિંદગીના અનુભવથી કપાઈ ચૂક્યો છે. એને ખબર જ નથી કે એ શું ચૂકી ગયો છે. જ્યારે સર્જક પાસે સાચા અનુભવોનો વિલોપ થઈ જાય, ત્યારે સ્ક્રીન પર માત્ર ચળકતી સપાટી બચે છે, આત્મા ગાયબ થઈ જાય છે.

જેણે ક્યારેય માટીની સુગંધ નથી જાણી, એ આખી જિંદગી પરફ્યુમને જ કુદરત માનવાની ભૂલ કરશે.

ભ્રમ અને ભેજું
← પહેલું પ્રકરણબાહ્ય વચનબદ્ધતાઆગલું પ્રકરણ →સાર તારવવાની કળા