← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · માણસ નામનું પ્રાણી

ખુલ્લી ચોપડી સંચાલન

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૪૩

કંપનીમાં માલિક સિવાય કોઈને નફો ખબર ન હોય. કર્મચારીઓને માત્ર પોતાનો પગાર દેખાય, નફો નહીં. શેઠ રડે કે ધંધામાં મંદી છે, અને કર્મચારી માને કે માલિક તિજોરી ભરે છે. આ અવિશ્વાસ જૂનો છે. આ રોગનો ઈલાજ એટલે ઓપન-બૂક મેનેજમેન્ટ. આ વિચારનો સીધો અર્થ એ છે કે વેપારના ચોપડા કર્મચારીઓ માટે ખુલ્લા મૂકી દેવા. આવક, ખર્ચ, નફો અને ખોટ—બધું જ દરેક કામદાર સામે પારદર્શક રાખવું.

આ શબ્દ જ્હોન કેસ નામના અમેરિકન પત્રકારે ૧૯૯૩માં ઇન્ક મેગેઝિનમાં વહેતો કર્યો હતો. જેક સ્ટેક નામના ઉદ્યોગસાહસિકે પોતાની કંપનીમાં આ પદ્ધતિ સફળતાપૂર્વક લાગુ કરીને બતાવી. તેમનો તર્ક એકદમ વ્યવહારુ હતો: કર્મચારી જો કંપનીને પોતાની ગણશે નહીં, તો તે ક્યારેય માલિકની જેમ નહીં વિચારે. જ્યારે તમે માણસને ફક્ત મજૂર ગણો છો, ત્યારે તે માત્ર પાંચ વાગવાની રાહ જુએ છે. પણ જ્યારે તેને નફા-નુકસાનના સાચા આંકડા દેખાય છે, ત્યારે તે ભાગીદાર બની જાય છે.

આ વાત ભારતના સહકારી માળખાને બહુ સરસ રીતે લાગુ પડે છે. ગુજરાતના ગામડાંમાં ચાલતી દૂધ મંડળીઓ કે સહકારી ડેરીઓ આનું જીવંત ઉદાહરણ છે. જૂના જમાનામાં દૂધના ફેટ માપવામાં ગોટાળા થતા અને ખેડૂતને શંકા રહેતી કે મંડળીનો મંત્રી પૈસા ખાઈ જાય છે. જેવી કમ્પ્યુટરાઈઝ્ડ સ્લિપ આવી અને રોજનો ભાવ, ફેટ અને વજન ખેડૂતની આંખ સામે દેખાવા લાગ્યા, શંકા મરી ગઈ. વર્ષના અંતે ડેરીનું ઓડિટ અને નફામાંથી મળતું બોનસ જાહેરમાં વહેંચાય છે. પરિણામે પશુપાલક ડેરીને પોતાની સમજે છે, કોઈ બીજાની મિલકત નહીં.

ધંધો છૂપાવવાથી મોટો નથી થતો, સમજાવવાથી થાય છે. મોટાભાગના ભારતીય શેઠિયાઓને ડર હોય છે કે ચોપડા ખુલ્લા કરીશું તો મજૂરો પગાર વધારો માંગશે. આ ડર સંકુચિત છે. જ્યારે ટીમ જાણે છે કે પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં વેડફાય છે, ત્યારે લાઈટ બંધ કરવાનું યાદ કરાવવું પડતું નથી. માહિતી છુપાવવી એ અવિશ્વાસની કબૂલાત છે. પારદર્શિતા લોકોને કામચોરમાંથી ભાગીદાર બનાવે છે.

ચોપડા બંધ રાખો તો ચોકીદાર રાખવા પડે છે, ચોપડા ખોલી નાખો તો દરેક માણસ ચોકીદાર બની જાય છે.

માણસ નામનું પ્રાણી
← પહેલું પ્રકરણઊડા લૂપઆગલું પ્રકરણ →ઓપોર્ચ્યુનિટી ઓપન માર્કેટ