પાર્કિંગ સમસ્યા
તમે રસ્તા પર ગાડી ચલાવી રહ્યા છો અને તમારે કોઈ ચોક્કસ દુકાને પહોંચવું છે. રસ્તાની બાજુમાં ખાલી જગ્યાઓ દેખાય છે, પણ દુકાન હજુ થોડી દૂર છે. હવે તમારી સામે સવાલ એ ઊભો થાય છે: શું અત્યારે દેખાય છે તે સરેરાશ જગ્યામાં ગાડી પાર્ક કરી દઈને બાકીનું અંતર ચાલીને જવું, કે પછી છેક દુકાનના દરવાજા સુધી ખાલી જગ્યા શોધવાનો જુગાર રમવો? જો આગળ જશો અને ત્યાં કોઈ જગ્યા નહીં મળે, તો તમારે પાછા ફરવું પડશે અથવા ઘણો મોટો ચક્કર કાપવો પડશે. ગણિતશાસ્ત્ર અને નિર્ણય શાસ્ત્રમાં આને ‘પાર્કિંગ પ્રોબ્લેમ’ કહે છે.
આ કોઈ સામાન્ય ટ્રાફિકની માથાકૂટ નથી, પણ અનિશ્ચિતતા વચ્ચે શ્રેષ્ઠ નિર્ણય લેવાની પ્રક્રિયા છે. આ સિદ્ધાંત ‘ઓપ્ટિમલ સ્ટોપિંગ પ્રોબ્લેમ’ સાથે જોડાયેલો છે. ગણિતશાસ્ત્રીઓએ સંભાવનાના આધારે ગણતરી કરી છે કે માણસે ક્યારે શોધવાનું બંધ કરીને જે મળ્યું તેને સ્વીકારી લેવું જોઈએ. જીવનમાં અને બજારોમાં દરેક વિકલ્પ એક સાથે આપણી સામે ટેબલ પર નથી હોતો. વિકલ્પો ક્રમશઃ સામે આવે છે. એક વાર આગળ નીકળી ગયા પછી જૂના વિકલ્પ તરફ પાછા ફરવાની કિંમત ઘણી વાર બહુ ઊંચી હોય છે.
આ સમસ્યા સમજાવે છે કે વધુ પડતી પરફેક્ટ સ્થિતિની શોધ હંમેશાં મોંઘી સાબિત થાય છે. માનવ મન લોભી છે. તેને લાગે છે કે આગળ કદાચ આનાથી પણ સહેલો, સસ્તો અને નજીકનો દરવાજો મળશે. પણ અનિશ્ચિતતાના રમકડાં અલગ હોય છે. શ્રેષ્ઠની શોધમાં લોકો સારા વિકલ્પને લાત મારી દે છે અને અંતે સાવ ખાલી હાથે પછતાય છે. સમજદારી એમાં છે કે લક્ષ્યથી એક ચોક્કસ અંતરે પહોંચ્યા પછી પહેલો જે સારો અને સ્વીકાર્ય વિકલ્પ મળે, તેને તરત પકડી લેવો.
દલાલ સ્ટ્રીટમાં આ દ્રશ્ય રોજ ભજવાય છે. ધારો કે એક રોકાણકારે કોઈ શેર ₹૧૦૦માં લીધો હતો અને આજે તે ₹૪૦૦ પર પહોંચી ગયો છે. કંપનીના પરિણામો સારા છે પણ ભાવ ટોચની નજીક છે. હવે રોકાણકાર વિચારે છે કે મારે ₹૫૦૦ સુધી રાહ જોવી જોઈએ. તે એકદમ ટોચ પકડવાની લાલચમાં બેસી રહે છે. અચાનક બજારમાં કડાકો આવે છે અને શેર પાછો ₹૨૫૦ પર આવી જાય છે. જે માણસ શ્રેષ્ઠ ભાવે બહાર નીકળવાની રાહ જોતો રહ્યો, તે સારો નફો પણ ગુમાવી બેઠો. રોકાણમાં પણ પાર્કિંગ જેવું જ છે; એક વાર યોગ્ય વળતર દેખાય એટલે નફો બાંધીને ગાડી ઊભી રાખી દેવાની હોય.
જે માણસ દુકાનના પગથિયાં સુધી ગાડી લઈ જવાની જીદ પકડે છે, તેણે આખો દિવસ રસ્તા પર ચક્કર જ કાપવાં પડે છે.