છેતરાઈ જવાનો અકારણ ભય
માણસને નુકસાન થાય તેટલો ડર નથી હોતો, જેટલો પોતે મૂરખ સાબિત થશે તેનો હોય છે. પૈસા ડૂબી જાય તો ચાલે, પણ આખી દુનિયા સામે પોતે છેતરાઈ ગયો એવી છાપ પડે તે અહંકાર સહન નથી કરતો. આ અગાઉથી જ લાગતો આંચકો એટલે સુગ્રોફોબિયા. સીધા શબ્દોમાં કહીએ તો કોઈ આપણને ‘બકરો’ બનાવી જશે એવો આંતરિક, સતત પીછો કરતો ભય. આપણે બીજાને ચતુર ગણીએ અને પોતાને ભોળા માનીએ ત્યારે આ જાળ બિછાય છે.
આ સંકલ્પના મનોવિજ્ઞાની કેથલીન વોહ્સ, રોય બૌમિસ્ટર અને જેસન ચીને ૨૦૦૭માં ‘ફીલિંગ ડ્યુપ્ડ’ નામના સંશોધનપત્રમાં મૂકી હતી. તેમણે સમજાવ્યું કે માણસ કોઈ પણ વ્યવહારમાં માત્ર આર્થિક નફો કે તોટો નથી જોતો. તેની પાછળ સામાજિક પ્રતિષ્ઠા અને આત્મસન્માન દાવ પર લાગેલા હોય છે. કોઈ આપણી પીઠ પાછળ હસી ન જાય, એ ચિંતા આપણને વધુ પડતા શંકાશીલ અને જક્કી બનાવી દે છે.
આ ભય આપણને વાજબી તકોથી પણ વંચિત રાખે છે. જ્યારે તમને દરેક વ્યક્તિ ઠગ જેવી દેખાવા લાગે, ત્યારે સાચી ઓફર પણ ષડયંત્ર લાગે છે. લોકો નવી ભાગીદારી નથી કરતા, સારા પ્રોજેક્ટમાં જોડાતા નથી અને મદદ લેતા પણ અચકાય છે. નુકસાનથી બચવાની આ અંધ ઝંખનામાં માણસ એટલો સંકુચિત થઈ જાય છે કે છેવટે તે કશું જ નવું સર્જી શકતો નથી. મૂર્ખ ન દેખાવાની જીદ માણસને એકલો પાડી દે છે.
દલાલ સ્ટ્રીટ પર આ રોગ બરાબર જોવા મળે છે. ધારો કે નવીનભાઈ છે. બજારમાં એક સારો મિડકેપ શેર વાજબી ભાવે મળે છે. કંપનીનું કામકાજ ચોખ્ખું છે, નફો વધે છે. પણ નવીનભાઈ ખરીદતા નથી. તેમના મગજમાં પેલો ભય ઘૂમરાય છે: ‘ઓપરેટરો ભાવ વધારીને મને ફસાવી તો નહીં દે ને?’ આ ડરમાં ને ડરમાં શેર બમણો થઈ જાય છે. છેવટે જ્યારે આખું ગામ તે શેર ખરીદે ત્યારે નવીનભાઈ મોંઘા ભાવે એન્ટ્રી લે છે અને બરાબર ટોચ પર ફસાય છે. જે બનવાનો ડર હતો, એ પોતે જ બની ગયા.
ચતુર દેખાવાની વધુ પડતી ભૂખ જ આખરે માણસને સૌથી મોટો મૂરખ બનાવે છે.