← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · વિચારનો વેપાર

ટાઇટેનિક માનસિકતાના માણસો

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૧૨૧

૧૯૧૨માં ટાઇટેનિક જહાજ ડૂબ્યું ત્યારે ડેક પર ઓર્કેસ્ટ્રા વાગી રહ્યો હતો. જહાજ ડૂબી રહ્યું છે એ દેખીતું હતું, છતાં સંગીતકારો છેલ્લી ઘડી સુધી સૂર છેડતા રહ્યા અને ફર્સ્ટ ક્લાસના મુસાફરો આરામથી ચા પીતા રહ્યા. આ શબ્દ કોઈ એક મેનેજમેન્ટ ગુરુએ ઘડેલો ટેકનિકલ નિયમ નથી. પણ આધુનિક ભાષામાં એવા લોકોને ‘ટાઇટેનિક પીપલ’ કહેવાય છે, જેમના પગ નીચેથી જમીન સરકી રહી હોય છતાં તેઓ જૂના ભપકામાં અને ખોટા સંતોષમાં જીવતા રહે છે. આપત્તિ માથા પર તોળાઈ રહી હોય ત્યારે વાસ્તવિકતા સ્વીકારવાને બદલે શાનદાર હોવાનો દેખાવ કરવો, એ આ માનસિકતાનું લક્ષણ છે.

આ લોકો ખરાબ નથી હોતા, બેખબર હોય છે. ભૂતકાળની ભવ્યતા એમના મગજમાં એટલી જડબેસલાક બેસી ગઈ હોય છે કે વર્તમાનની તિરાડો દેખાતી જ નથી. તેમને લાગે છે કે અમારો ઇતિહાસ આટલો મોટો છે, તો અમારું પતન કેવી રીતે શક્ય બને? અહંકાર જ્યારે કટોકટી સામે આંખ આડા કાન કરે, ત્યારે સમજવું કે જહાજ હિમશિલા સાથે અથડાઈ ચૂક્યું છે. બચવાની તૈયારી કરવાને બદલે ડેક પરની ખુરશીઓ સરખી કરવામાં સમય વેડફાય છે.

આપણી રમતગમતની સંસ્થાઓ આનું સચોટ ઉદાહરણ છે. ખાસ કરીને હોકી અને એથ્લેટિક્સનું જૂનું વહીવટી તંત્ર યાદ કરો. વર્ષો સુધી અધિકારીઓ આઠ ઓલિમ્પિક ગોલ્ડ મેડલના ગુણગાન ગાતા રહ્યા. વિશ્વની રમતો બદલાઈ ગઈ, એસ્ટ્રોટર્ફ આવી ગયું, તાલીમની વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી ગઈ. પણ આપણા બાબુઓ દિલ્હીના એરકન્ડિશન્ડ રૂમમાં બેસીને જૂની શાન બતાવતા રહ્યા. મેદાન પર ટીમ હારી જતી, છતાં પ્રેસ કોન્ફરન્સમાં પચાસ વર્ષ જૂના સુવર્ણકાળના દાખલા અપાતા. વાસ્તવિકતાથી મોં ફેરવીને ભૂતકાળના તરાપા પર તરવાનો આ જીવલેણ પ્રયાસ હતો.

જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે જૂની મહાનતા ઢાલ નથી બનતી, બોજ બને છે. પરાજય કે પતન અચાનક નથી આવતાં. એ ધીમે ધીમે નજીક આવે છે અને આપણે જૂના દરબારમાં રાગદરબારી વગાડવામાં વ્યસ્ત રહીએ છીએ. સમયસર ચેતીને લાઈફબોટ તૈયાર ન કરો, તો ઇતિહાસ ફક્ત ડૂબવાની નોંધ લે છે, તમારા જૂના વૈભવની નહીં.

જહાજમાં કાણું પડ્યું હોય ત્યારે વાયોલિન કેટલું મધુર વાગે છે, એનાથી સમુદ્રને કોઈ ફરક પડતો નથી.

વિચારનો વેપાર
← પહેલું પ્રકરણટાઇટેનિક અસરઆગલું પ્રકરણ →હોદ્દાઓનો ફુગાવો