ઝેરોક્ષ પ્રજાસત્તાક: બાબુ વિરુદ્ધ બ્લોકચેન
**The Xerox Republic: Babu vs Blockchain**
**ઝેરોક્ષ પ્રજાસત્તાક: બાબુ વિરુદ્ધ બ્લોકચેન**
પરાગ રતનપરા
ભારતમાં માણસ જન્મે એ પૂરતું નથી. એણે સાબિત કરવું પડે છે કે એ જન્મ્યો છે. અને મરે ત્યારે પણ છૂટકો નથી, કારણ કે મરણનો દાખલો ન હોય તો સરકારી ચોપડે તમે અમર છો. આત્મા અમર છે એવું ગીતા કહે છે. માણસ અમર છે એવું તલાટી કહે છે.
જન્મનો દાખલો લેવા જાઓ. હોસ્પિટલે "Parag"નું "Prag" કરી નાખ્યું હોય. હવે આ એક અક્ષર માટે એફિડેવિટ, નોટરી, બે સાક્ષી અને ત્રણ ધક્કા. બારી નંબર ત્રણ કહે બારી નંબર પાંચ પર જાઓ. પાંચવાળા કહે, "સાહેબ જમવા ગયા છે." સાહેબ ભારતનું એકમાત્ર પ્રાણી છે જે સવારે અગિયારથી સાંજે પાંચ સુધી જમે છે. અને છેલ્લે રાષ્ટ્રીય વાક્ય: "સર્વર ડાઉન છે."
લગ્નનું સર્ટિફિકેટ તો એથીયે મોટી કોમેડી. પાંચસો માણસ જમી ગયા, ડ્રોનથી શૂટિંગ થયું, અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફર્યા. પણ સરકારને અગ્નિદેવ પર ભરોસો નથી. એને જોઈએ કંકોત્રી, ફોટા, ગોર મહારાજનો દાખલો, બે સાક્ષી અને બધાની ઝેરોક્ષ. આ દેશમાં અગ્નિ કરતાં ગેઝેટેડ ઓફિસરનો સિક્કો વધારે પવિત્ર છે.
લાઇસન્સમાં જેને ગાડી આવડે છે એ નાપાસ થાય અને જેને એજન્ટ આવડે છે એ પાસ. આપણે ત્યાં ડ્રાઇવિંગ ટેસ્ટ ગાડીનો નથી, ઓળખાણનો છે. અને કંપની ખોલવી હોય તો ધંધો કરવો સહેલો છે, ધંધો કરવાની પરવાનગી લેવી અઘરી છે. PAN, TAN, GST, શોપ એક્ટ, ઉદ્યમ: દરેક ખાતું એ જ કાગળ ફરી માગે. જાણે સરકારના એક હાથને બીજા હાથ પર ભરોસો નથી. સાચું જ છે. નથી.
મજાની વાત એ છે કે આધાર છે, ડિજિલોકર છે, છતાં બારી પરથી અવાજ આવે: "ઝેરોક્ષ પર સેલ્ફ-અટેસ્ટ કરીને લાવો." ડિજિટલ ઇન્ડિયા ઝેરોક્ષવાળાની દુકાનથી શરૂ થાય છે. અને આપણે? સિસ્ટમને ગાળો દઈએ, પછી ફોન કરીએ: "તારા મામા RTOમાં છે ને?" ભ્રષ્ટાચાર આપણને ત્યાં સુધી જ ખૂંચે છે જ્યાં સુધી લાઇનમાં આપણે ઊભા છીએ.
મૂળ રોગ કાગળ નથી, ભરોસો છે. આખી સિસ્ટમ "કોઈ પર ભરોસો નથી" એ પાયા પર ઊભી છે. એટલે સિક્કો, સહી, સાક્ષી. અને ભરોસાનો ઇજારો બાબુના ટેબલ પર પડ્યો છે. જેનો ઇજારો, એનો ભાવ.
બ્લોકચેન આ ઇજારો તોડે છે. સમજવું સહેલું છે: ગામનો એક ચોપડો, જેની નકલ દરેક ઘરમાં છે. એક જણ છેકછાક કરે તો બાકીના હજાર ચોપડા બોલી ઊઠે: "જૂઠું." એન્ટ્રી એક વાર પડી એટલે પડી. પાછલી તારીખ નાખવાની આપણી પ્રાચીન કળાનો અંત. દરેક ફેરફાર પર નામ અને સમય. ફાઇલ "ખોવાઈ" શકતી નથી. હોસ્પિટલ જન્મ નોંધે, એ જ ક્ષણે મ્યુનિસિપાલિટી, શાળા, પાસપોર્ટ ઓફિસ એક QR સ્કેનથી ખાતરી કરી લે. ન ઝેરોક્ષ, ન નોટરી, ન ધક્કો. બ્લોકચેન જમવા જતું નથી.
ચીને આ કરી બતાવ્યું. 2018માં શેનઝેનના ટેક્સ ખાતાએ બ્લોકચેન ઇ-ઇનવોઇસ શરૂ કર્યાં, ટેન્સેન્ટના સહયોગથી. હાંગઝોઉની ઇન્ટરનેટ કોર્ટે બ્લોકચેન પર નોંધાયેલા પુરાવા માન્ય રાખ્યા. ઓક્ટોબર 2019માં શી જિનપિંગે બ્લોકચેનને મુખ્ય ટેક્નોલોજી જાહેર કરી, અને એપ્રિલ 2020માં સરકારી પીઠબળવાળું BSN નેટવર્ક શરૂ થયું, જેનો હેતુ નાના ધંધાઓને સસ્તામાં બ્લોકચેન આપવાનો છે. અને ત્યાંના નાગરિકને આમાંનું કશું દેખાતું નથી. એને દેખાય છે ફક્ત WeChat: પેમેન્ટ, બિલ, ડોક્ટર, સરકારી કામ, બધું એક એપમાં. બ્લોકચેન પાઇપલાઇન છે, સુપર એપ નળ છે. હા, ચીનની પાઇપલાઇન પર સરકારની ચાંપતી નજર છે. આપણે ટેક્નોલોજી લેવાની છે, ચોકીદારી નહીં.
અને આપણે કરી શકીએ? જે દેશે શાકવાળીને QR કોડ શીખવ્યો, એ તલાટીને બ્લોકચેન ન શીખવી શકે? આધાર છે, UPI છે, ડિજિલોકર છે. ખૂટે છે ફક્ત ખાતાંઓ વચ્ચેનો એક અફર, સહિયારો ચોપડો. શરૂઆત થઈ પણ ગઈ છે: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં જાતિના દાખલા બ્લોકચેન પર ચડ્યા, અને કેન્દ્ર સરકારે 2024માં નેશનલ બ્લોકચેન ફ્રેમવર્ક જાહેર કર્યું. હવે જોઈએ એક ભારતીય સુપર એપ, WhatsApp જેટલી સહેલી: જન્મ, લગ્ન, લાઇસન્સ, કંપની, ટેક્સ, બધું એક જગ્યાએ.
એ દિવસ દૂર નથી જ્યારે બાળક જન્મશે અને પેંડા વહેંચાય એ પહેલાં બાપના ફોનમાં દાખલો આવી ગયો હશે. કંપની ચા ઠંડી થાય એ પહેલાં ખૂલી જશે. ભવિષ્ય ઊજળું છે. દુઃખી થશે ફક્ત ઝેરોક્ષવાળો. પણ એ ગુજરાતી છે. એ બ્લોકચેનનું સ્ટાર્ટઅપ ખોલી નાખશે.
સાચી પણ વિચિત્ર હકીકતો:
• શેનઝેનમાં શરૂઆતના એકાદ વર્ષમાં જ એક કરોડથી વધુ બ્લોકચેન ઇનવોઇસ નીકળ્યાં, આશરે 7 અબજ યુઆનના.
• ચીનના "વિકેન્દ્રિત" BSN નેટવર્કમાં સત્તાવાળાઓ માટે ખાસ "ઓબ્ઝર્વર નોડ" રખાયા છે. એટલે કે ચોપડો બધાનો, પણ નજર સરકારની.
• એસ્ટોનિયામાં લગભગ બધી સરકારી સેવા ઓનલાઇન છે. લાંબા સમય સુધી લગ્ન અને છૂટાછેડા જેવાં ગણ્યાંગાંઠ્યાં કામ માટે જ રૂબરૂ જવું પડતું.
પરાગ રતનપરા
If you like it, please share it.
#Blockchain #DigitalIndia #SuperApp #Bureaucracy #બ્લોકચેન #સરકારીધક્કા #ડિજિટલભારત #ગુજરાતીવ્યંગ