શબ્દોનો સંગ : અદૃશ્ય બંધનનું મનોવિજ્ઞાન
શબ્દોનો સંગ : અદૃશ્ય બંધનનું મનોવિજ્ઞાન
— પરાગ રતનપરા
માણસ વિચારે છે કે એ બોલે છે. પણ સાચું એ છે કે એ બોલાય છે. ભાષા આપણી નથી — આપણે ભાષાના છીએ. આ વાત સમજવા જેવી છે, કારણ કે આમાં જ આખી ગુલામીનું બીજ પડ્યું છે.
શબ્દોનો એક નિયમ છે — association નો નિયમ, સંલગ્નતાનો નિયમ. આ નિયમ કહે છે કે કોઈ પણ શબ્દ એકલો નથી આવતો. એ પોતાની સાથે એક આખું કુટુંબ લઈને આવે છે. તમે "માં" સાંભળો, તો તરત "રસોડું", "હૂંફ", "ત્યાગ", "દૂધ" — આ બધું ઊભરાય. તમે "પૈસા" સાંભળો, તો "સુખ", "ચિંતા", "ઉધાર", "નોકરી" — આ બધું દોડી આવે. કોઈએ બોલાવ્યું નથી, પણ આવી ગયું. જાણે શબ્દોનું પોતાનું એક ગુરુત્વાકર્ષણ છે — એક શબ્દ બીજાને ખેંચે, બીજો ત્રીજાને, અને તમે ક્યાંના ક્યાં પહોંચી જાઓ.
આ થાય છે કેમ? કારણ કે મગજ ફાઈલિંગ કેબિનેટ નથી — એ જાળું છે. એક ધાગો ખેંચો તો આખું જાળું હલે. ન્યુરોસાયન્સ કહે છે કે ન્યુરોન્સ જે સાથે fire થાય છે, તે સાથે wire થાય છે. બાળપણમાં જે શબ્દો સાથે જે અનુભવ જોડાયા, તે કાયમ માટે ગૂંથાઈ ગયા. "પિતા" શબ્દ સાથે કોઈકને પ્રેમ જોડાયો, કોઈકને ભય. શબ્દ એક જ છે, પણ association અલગ છે, એટલે આખી દુનિયા અલગ છે.
હવે સવાલ એ છે કે આપણે આ જાણતા કેમ નથી? કારણ સીધું છે — માછલીને પાણીની ખબર ન હોય. જે વસ્તુમાં તમે ડૂબેલા છો, તે તમને દેખાય નહીં. ભાષા એ આપણું પાણી છે. આપણે શબ્દોની અંદર જ જીવીએ છીએ, એટલે આપણને ખબર જ નથી પડતી કે આ શબ્દો આપણને ચલાવે છે. આપણે માનીએ છીએ કે "હું વિચારું છું", પણ ખરેખર થાય એ છે કે એક શબ્દ આવ્યો, એણે બીજો ખેંચ્યો, બીજાએ ત્રીજો, અને પછી એક આખી ટ્રેન ચાલી ગઈ — અને તમે ખાલી ડબ્બામાં બેઠેલા મુસાફર. ડ્રાઈવર તમે નથી.
આનું ઊંડું મનોવૈજ્ઞાનિક કારણ છે. ફ્રોઈડે કહ્યું — અચેતન મન. જુંગે કહ્યું — સામૂહિક અચેતન. પણ ભારતીય પરંપરામાં આને "સંસ્કાર" કહ્યું — અને એ વધારે સચોટ શબ્દ છે. સંસ્કાર એટલે ઊંડી છાપ. દરેક અનુભવ, દરેક આઘાત, દરેક સુખ — એ બધું ચેતનાના તળિયે જમા થતું જાય છે, કાંપની જેમ. અને પછી કોઈ શબ્દ આવે — જાણે નદીમાં પથ્થર પડ્યો — તો એ કાંપ ઊછળે, પાણી ડહોળાય, અને તમને ખબર જ ન પડે કે ડહોળાપણું ક્યાંથી આવ્યું.
ગૂઢવિદ્યાની દૃષ્ટિએ જોઈએ તો, શબ્દો માત્ર ધ્વનિ નથી — એ મંત્ર છે. દરેક શબ્દમાં એક vibration છે, એક frequency છે. પ્રાચીન ઋષિઓ જાણતા હતા કે "નામ" અને "રૂપ" — આ બે વસ્તુ માયાનો પાયો છે. જ્યાં સુધી તમે નામમાં — શબ્દમાં — ફસાયેલા છો, ત્યાં સુધી તમે રૂપથી — સંસારથી — મુક્ત થઈ શકો નહીં. ઉપનિષદ કહે છે: "નામ-રૂપ"માંથી છૂટવું એ જ મોક્ષ. આ ફિલસૂફી નથી — આ મિકેનિઝમ છે. શબ્દ પકડે છે, association ખેંચે છે, association ભાવ જગાડે છે, ભાવ ક્રિયા કરાવે છે — અને આ આખી chain માં તમારો "હું" ક્યાંય છે જ નહીં. બધું automatic છે. બધું mechanical છે. અને mechanical માણસ — ગુર્જિએફે કહ્યું — સૂતો માણસ છે.
તો છૂટકારો શું? છૂટકારો શબ્દો છોડવામાં નથી. ભાષા છોડીને તમે જીવી ન શકો. છૂટકારો છે — જાગૃતિમાં. gap માં. બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં.
જ્યારે કોઈ શબ્દ આવે, ત્યારે એક ક્ષણ — માત્ર એક ક્ષણ — થોભો. જુઓ. આ શબ્દ શું લાવ્યો? કયો ભાવ ઊઠ્યો? કઈ યાદ આવી? કયું ચિત્ર ઊભું થયું? આ "જોવું" — આ witnessing — આ જ ધ્યાન છે. આ જ meditation છે. બુદ્ધે આને "સમ્મા સતિ" કહ્યું — સમ્યક સ્મૃતિ, right mindfulness. કૃષ્ણમૂર્તિએ કહ્યું — "choiceless awareness." શબ્દ આવે, association ઊઠે, પણ તમે પસંદગી ન કરો. ન તો ખેંચાઓ, ન તો ધકેલો. ખાલી જુઓ.
આ સહેલું નથી. વર્ષોના — કદાચ જન્મોના — સંસ્કાર છે. પણ એક વાત ચોક્કસ છે: જે ક્ષણે તમે association ને "જોઈ" લો — ખરેખર જોઈ લો — તે ક્ષણે એનો તમારા પર કાબૂ તૂટે છે. જાણે અંધારા ઓરડામાં દીવો થયો. અંધારું ભાગ્યું નથી, પણ દેખાવા લાગ્યું. અને દેખાય, એટલે ડર ઓછો થાય.
ભાષા સુંદર છે. શબ્દો અદ્ભુત છે. પણ માલિક તમે હો — ગુલામ નહીં. શબ્દનો ઉપયોગ કરો, પણ શબ્દમાં વપરાઈ ન જાઓ. બોલો, પણ જાણીને બોલો. સાંભળો, પણ જાગીને સાંભળો.
બાકી, ગુર્જિએફ સાચા હતા — આખી દુનિયા ઊંઘમાં છે. અને ઊંઘમાં સપનાં આવે. અને સપનાં શેના બન્યા છે? શબ્દોના. ખાલી શબ્દોના.
— પરાગ રતનપરા