← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન

ખાંડ વિરુદ્ધ બારૂદ: ભૂખથી નહીં, ધરાઈને મરતો માણસ

૧૪ ઓક્ટોબર ૨૦૨૬નિબંધ

**Sugar vs. Gunpowder | ખાંડ વિરુદ્ધ બારૂદ: ભૂખથી નહીં, ધરાઈને મરતો માણસ**

**પરાગ રતનપરા**

માનવજાતનો ઇતિહાસ એટલે ત્રણ ડરનો ઇતિહાસ: દુકાળ આવશે, મહામારી આવશે, અથવા પડોશી રાજા તલવાર લઈને આવશે. હજારો વર્ષ સુધી માણસ આ ત્રણની સામે હાથ જોડીને ઊભો રહ્યો. આજે? આજે માણસ ત્રીજી ગુલાબજાંબુની વાટકીથી ડરે છે. અને છતાં લે છે. કારણ કે ના પાડવાની હિંમત તો આપણામાં દુશ્મન સામે પણ નહોતી, તો માસીના આગ્રહ સામે ક્યાંથી હોય?

ઇતિહાસકાર યુવલ નોઆ હરારી કહે છે કે માનવ ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે ઓછું ખાવાથી જેટલા લોકો મરે છે તેના કરતાં વધુ ખાવાથી મરે છે. ચેપી રોગ કરતાં ઘડપણ વધુ લોકોને લઈ જાય છે. અને આજના સરેરાશ માણસ માટે દુકાળ, ઇબોલા કે આતંકવાદી હુમલા કરતાં ફાસ્ટફૂડ વધુ મોટું જોખમ છે. સાદી ભાષામાં કહીએ તો બર્ગર અલ-કાયદા કરતાં વધુ ખતરનાક નીકળ્યું. ફરક એટલો જ કે આતંકવાદી સામે સરકાર કમાન્ડો મોકલે છે, અને બર્ગર સામે આપણે “એક્સ્ટ્રા ચીઝ” મોકલીએ છીએ.

આપણા દાદા છપ્પનિયા દુકાળની વાતો કરતા. કેવી રીતે લોકો ઝાડની છાલ ખાઈને જીવ્યા, કેવી રીતે એક રોટલો આખું કુટુંબ વહેંચતું. આજે એમનો પૌત્ર છપ્પન ભોગની રીલ્સ બનાવે છે અને કેપ્શનમાં લખે છે: “Cheat day 😋”. મજાની વાત એ છે કે એના અઠવાડિયામાં સાતેય દિવસ ચીટ ડે છે. ડાયેટ ફક્ત સોમવારે સવારે નવ વાગ્યા સુધી ચાલે છે, પછી ઓફિસમાં કોઈનો બર્થડે નીકળી આવે છે.

હવે થોડી આપણી ગુજરાતી સંસ્કૃતિની વાત. આપણે ત્યાં મહેમાનને ભરપેટ જમાડવું એ ધર્મ છે, અને મહેમાન ના પાડે તો એ અપમાન છે. “લો ને, એક જ તો છે,” એ વાક્ય ગુજરાતમાં જેટલા લોકોને ડાયાબિટીસ સુધી પહોંચાડી ગયું હશે, એટલા તો કોઈ ડૉક્ટરે દર્દી નહીં જોયા હોય. લગ્નમાં ચાલીસ કાઉન્ટરનું બુફે હોય છે અને સમાજ નક્કી કરે છે કે વેવાઈ કેટલા “મોટા માણસ” છે. જમણવારની લંબાઈ જ પ્રતિષ્ઠાની લંબાઈ.

અને શરીરનું માપ પણ સમાજ જ કાઢે છે. જરાક દૂબળા દેખાઓ તો સગાં પૂછે, “કંઈ ટેન્શન છે? ઘરમાં બધું બરાબર?” અને પેટ થોડું આગળ આવે તો આશીર્વાદ મળે, “ખાધેપીધે સુખી ઘરના લાગો છો!” આપણે ત્યાં ફાંદ એ સમૃદ્ધિનું સર્ટિફિકેટ છે, જે બાદમાં હૉસ્પિટલમાં રિન્યૂ થાય છે.

હવે જરા આપણી બેવડી નીતિ જુઓ. સવારે આઠ હજારના બ્રાન્ડેડ શૂઝ પહેરીને મોર્નિંગ વૉક કરવા નીકળીએ છીએ, અને વૉકનો અંત આવે છે ફાફડા-જલેબીની લારી પર. “આજે તો ચાલ્યા છીએ ને, એટલે ચાલે.” ચા સુગર-ફ્રી, પણ સાથે ત્રણ બિસ્કિટ અને બે ખાખરા ઘી લગાડેલા. “ખાંડ તો મેં ક્યારની છોડી દીધી, ખાલી ગોળ નાખું છું,” આ વાક્ય સાંભળીને પેન્ક્રિયાસ પણ મનમાં હસતું હશે. જમતા પહેલાં ગોળી, જમ્યા પછી શ્રીખંડ. જાણે ગોળી કોઈ વીમા પૉલિસી હોય અને શ્રીખંડ એનો ક્લેમ.

સૌથી રસપ્રદ દૃશ્ય તો ફેમિલી વૉટ્સઍપ ગ્રુપમાં જોવા મળે છે. HbA1c નો રિપોર્ટ ક્રિકેટના સ્કોરની જેમ શેર થાય છે. “મારું સાડા સાત છે.” “મારું તો આઠ છે!” જાણે ડાયાબિટીસમાં પણ કોણ આગળ છે એની હરીફાઈ ચાલે છે.

પણ અહીં એક ક્રૂર વ્યંગ છે જે આપણને ખબર નથી. વૈજ્ઞાનિકો કહે છે કે ભારતીય માણસ ઘણી વાર “થિન-ફેટ” હોય છે. એટલે કે બહારથી સળી જેવો, અંદરથી ગોદડા જેવો. પેટની અંદર, અવયવોની આસપાસ ચરબી જમા થાય છે જે અરીસામાં દેખાતી નથી. એટલે જે સંબંધી ગર્વથી કહે છે, “હું તો પાતળો છું, મને શું ડાયાબિટીસ થાય?” એ જ સૌથી પહેલા ડૉક્ટરના વેઇટિંગ રૂમમાં બેઠેલો મળે છે. આપણી જિનેટિક્સ દુકાળ માટે બનેલી હતી, અને આપણે એને સ્વિગી પકડાવી દીધું.

અને અહીં ભારતનો સૌથી મોટો વિરોધાભાસ આવે છે. એક જ દેશમાં, એક ગામમાં બાળકને પૂરતું ખાવાનું નથી મળતું, અને શહેરમાં બાળક ખાવાનું બંધ નથી કરતું. એક ભારત કુપોષણથી લડે છે, બીજું ભારત અતિપોષણથી. અને બંને વચ્ચેનું અંતર? ક્યારેક ફક્ત એક ફ્લાયઓવર જેટલું. આને નિષ્ણાતો “ડબલ બર્ડન” કહે છે. આપણે એને સાદી ભાષામાં “વિકાસ” કહીએ છીએ.

વાંક ફક્ત જીભનો નથી, જીવનશૈલીનો પણ છે. દાદા ખેતરમાં હળ ચલાવતા અને બાજરાના બે રોટલા પચાવી જતા. પૌત્ર એસી ઑફિસમાં માઉસ ચલાવે છે અને એ જ ભૂખ લઈને મેંદાનો પિઝા ખાય છે. ભૂખ દાદાની રહી, કામ પૌત્રનું થઈ ગયું. બસો મીટર દૂર દૂધ લેવા જવું હોય તો પણ એક્ટિવા નીકળે છે, અને પછી સાંજે એ જ એક્ટિવા પર બેસીને જિમ જવાય છે, જ્યાં ટ્રેડમિલ પર બસો મીટર ચાલવાના પૈસા ભરાય છે.

આ કથા ફક્ત આપણી નથી. ચીનને જુઓ. ચાર દાયકા સુધી કારખાનાં ધમધમતાં રહ્યાં, કરોડો લોકો ખેતરમાંથી નીકળીને શહેરની ખુરશીઓમાં બેસી ગયા, અને ઊંચી કૅલરીવાળો પ્રોસેસ્ડ ખોરાક થાળીમાં આવી ગયો. પરિણામ? આજે દુનિયામાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દીઓ ચીનમાં છે. ચીન આખી દુનિયાને સસ્તો માલ વેચતું રહ્યું, અને બદલામાં પોતાના માટે મોંઘો રોગ ખરીદી લાવ્યું.

અને અમેરિકા, જેનું નામ લેતાં જ આપણા NRI કાકાની છાતી ફૂલી જાય છે. ત્યાં સરકારે દાયકાઓ સુધી મકાઈ અને સોયાબીનને સબસિડી આપી, શહેરો એવાં બનાવ્યાં કે ગાડી વગર બ્રેડ પણ ન મળે, અને ગરીબ વિસ્તારોમાં તાજી શાકભાજી કરતાં પ્રોસેસ્ડ ખોરાક સસ્તો થઈ ગયો. ત્યાં ગરીબ માણસ ભૂખ્યો નથી રહેતો, એ જાડો રહે છે. ગરીબીનું પણ અમેરિકનાઈઝેશન થઈ ગયું. અને કાકા અહીં ફોટો મોકલે છે: “જુઓ, અહીં પિઝા કેટલો મોટો મળે છે!” હા કાકા, બિલ પણ મોટું જ આવશે.

ઇતિહાસમાં રાજાઓ દુશ્મનના બારૂદથી ડરતા. કિલ્લા બાંધ્યા, ખાઈઓ ખોદી, ચોકીદાર બેસાડ્યા. આજે દુશ્મન કિલ્લાની બહાર નહીં, રસોડાના ડબ્બામાં બેઠો છે, અને એના પર લેબલ લાગેલું છે: “ખાંડ”. બારૂદને ફૂટવા માટે ચિનગારી જોઈએ. ખાંડને ફૂટવા માટે ફક્ત એક વાક્ય જોઈએ: “અરે, તહેવાર છે, આજે તો ચાલે!”

આપણે દુકાળને હરાવ્યો, મહામારીને હરાવી, યુદ્ધને ઘણે અંશે હરાવ્યું. હવે ફક્ત એક જ દુશ્મન બાકી છે, અને દુઃખની વાત એ છે કે એ યુદ્ધમાં દુશ્મન પણ આપણે, સેનાપતિ પણ આપણે, અને જમણવારની છેલ્લી પંગતમાં બેસીને “બસ, થોડુંક જ” કહેનારા પણ આપણે જ.

**સાચી પણ વિચિત્ર હકીકતો (Real but Weird Facts)**

- ICMR-INDIABના 2023ના અભ્યાસ મુજબ ભારતમાં આશરે 10 કરોડ લોકોને ડાયાબિટીસ છે, અને બીજા આશરે 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસની કતારમાં ઊભા છે. એટલે કે બે નહીં પણ લગભગ સાડા ત્રણ ગુજરાત જેટલી વસ્તી.
- ભારતીય નવજાત બાળક બ્રિટિશ બાળક કરતાં વજનમાં હલકું જન્મે છે, પણ એના શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. વૈજ્ઞાનિકોએ આને “થિન-ફેટ બેબી” કહ્યું. એટલે ભારતીય માણસ જન્મથી જ દેખાવમાં સાદો અને અંદરથી ભારે હોય છે.
- સંધિવા (ગાઉટ) એક સમયે “રાજાઓનો રોગ” કહેવાતો, કારણ કે ફક્ત રાજાઓ જ એટલું માંસ અને શરાબ પરવડી શકતા. આજે એ રોગ સામાન્ય માણસ સુધી પહોંચી ગયો છે. આને કહેવાય રોગનું સાચું લોકશાહીકરણ.

**પરાગ રતનપરા**

If you like it, please share it.

#SugarVsGunpowder #DiabetesCapital #IndianSociety #SatireThatStings
#ગુજરાતી_લેખ #ખાંડ_નો_ખેલ #ડાયાબિટીસ #વ્યંગ

આત્મચિંતનઇતિહાસ
← પહેલો લેખદેશોનો મધ્યમવર્ગઆગલો લેખ →જોઈએ છે: ધંધાદારી દિમાગવાળો મેયર!