← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · વિચારનાં હથિયાર

૧૫ આઈક્યુ પોઈન્ટનો ફાયદો

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૧૬

કોઈ માણસ પોતાની માન્યતાનો બચાવ કરતો હોય ત્યારે અચાનક વધુ તેજસ્વી બની જાય છે. સામો પક્ષ ગમે તેટલી ચોખ્ખી દલીલ લાવે, પોતાની થિયરીનું રક્ષણ કરનાર વ્યક્તિ એવી નવી અને અનપેક્ષિત દલીલો શોધી કાઢે છે કે સામેવાળો સ્તબ્ધ થઈ જાય. મનોવિજ્ઞાની ડેનિયલ કાહનેમને આ રમત પકડી પાડી હતી. તેમણે આને ‘૧૫ આઈક્યુ પોઈન્ટ બેનિફિટ’ કહ્યો. જ્યારે તમારે તમારો પક્ષ સાચો સાબિત કરવાનો હોય, ત્યારે મગજ જાણે રાતોરાત પંદર આઈક્યુ પોઈન્ટ વધુ બુદ્ધિશાળી બની જાય છે.

કાહનેમને આ અનુભવ વિજ્ઞાનના અખતરાઓમાં થયો. તેઓ પોતાના વિરોધી વિચારક સાથે મળીને પ્રયોગ કરતા. તેમને ખાતરી હોતી કે આ પરિણામ આવશે એટલે વિરોધીની થિયરી ધ્વસ્ત થઈ જશે. ધાર્યું પરિણામ આવતું પણ ખરું. પણ સામેનો વિદ્વાન હાર સ્વીકારવાને બદલે તરત નવો તર્ક ઊભો કરી દેતો. માણસ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે તેની બુદ્ધિ સામાન્ય કરતાં દોઢી ઝડપે દોડવા માંડે છે. આ વધારાની બુદ્ધિ સત્ય શોધવા માટે નથી વપરાતી, માત્ર પોતાનો અહંકાર બચાવવા માટે વપરાય છે.

આ માનસિક ચાલબાજી બહુ ખતરનાક છે. આપણે માનીએ છીએ કે તાર્કિક દલીલોથી કોઈનું મગજ બદલી શકાશે. હકીકતમાં ઊલટું થાય છે. તમે જેટલો વધારે ખૂણામાં ધકેલો, તેટલી તે વધુ ચાલાકીથી છટકબારીઓ શોધશે. હોશિયાર માણસો ખોટા હોય ત્યારે સૌથી વધુ જોખમી બને છે, કારણ કે પોતાની ભૂલને સાચી ઠેરવવા માટે તેમની પાસે જબરદસ્ત શબ્દભંડોળ અને કુતર્કોની ફોજ તૈયાર હોય છે.

આ દ્રશ્ય આપણી સરકારી કચેરીઓમાં રોજ જોવા મળે છે. કોઈ સિનિયર બાબુએ દસ વર્ષ જૂનો નિયમ ખોટી રીતે લાગુ કર્યો હોય. કોઈ નાગરિક સ્પષ્ટ સરકારી પરિપત્ર લઈને તેમની સામે મૂકે. બાબુ પોતાની ભૂલ ક્યારેય નહીં માને. તે ક્ષણે બાબુની બુદ્ધિ અસાધારણ તેજ થઈ જશે. તે ફાઈલના જૂના પાનાઓમાંથી એવો અર્થહીન ક્લોઝ કે શબ્દ શોધી કાઢશે જેનો સંદર્ભ પણ ન હોય. સામો માણસ થાકીને હારી જાય, પણ બાબુ સાબિત કરી દેશે કે પોતે જ સાચો હતો.

પોતાની ભૂલ બચાવવા માટે વપરાતી બુદ્ધિ પ્રતિભા નથી, બેશરમીની ઢાલ છે.

વિચારનાં હથિયાર
← પહેલું પ્રકરણ૧૧૦ ટકાનો ભ્રમઆગલું પ્રકરણ →૧૮-૪૦-૬૦નો નિયમ