અફંતાસિયા
આંખો બંધ કરો અને લાલ રંગના સફરજનની કલ્પના કરો. મોટાભાગના માણસોના મગજના પડદા પર તરત એક ચમકતું લાલ ફળ ઉપસી આવશે. પણ કેટલાક લોકો માટે ત્યાં કશું જ નથી હોતું. ફક્ત ઘોર અંધારું. એમને ખબર છે કે સફરજન ગોળ હોય અને લાલ હોય, પણ એનું કોઈ ચિત્ર મનમાં દોરી શકાતું નથી. મનની આંખે દ્રશ્યો જોવાની આ સંપૂર્ણ અસમર્થતાને વિજ્ઞાન 'અફંતાસિયા' કહે છે.
આ સ્થિતિ વિશે સૌથી પહેલી નોંધ ૧૮૮૦માં ફ્રાન્સિસ ગાલ્ટને લીધી હતી. પણ સદીઓ સુધી આ વાત વિસરાઈ ગઈ. છેવટે ૨૦૧૫માં યુનિવર્સિટી ઓફ એક્સેટરના ન્યુરોલોજિસ્ટ એડમ ઝેમેને આ નામ આપ્યું. ગ્રીક ભાષામાં 'ફંતાસિયા' એટલે કલ્પના કે છબી, અને આગળ 'અ' લાગે એટલે અભાવ. દુનિયાની અમુક ટકા વસ્તી આ રીતે જીવે છે. આ કોઈ બીમારી કે મગજની ખોડખાંપણ નથી, ફક્ત વિચારવાની એક તદ્દન જુદી રીત છે.
આપણે માની લઈએ છીએ કે બધા જ માણસો આપણા જેવી જ આંતરિક ફિલ્મ જોતા હશે. પણ એવું નથી હોતું. અફંતાસિયા ધરાવતો માણસ ભૂતકાળને ફોટોગ્રાફની જેમ યાદ નથી કરતો, પણ હકીકતો અને ડેટાની જેમ સાચવે છે. એમના માટે યાદો એટલે ગૂગલ ડ્રાઇવમાં સેવ થયેલી ટેક્સ્ટ ફાઇલ છે, કોઈ રંગીન વિડીયો ક્લિપ નહીં. એ લોકો સર્જનાત્મક હોઈ શકે છે, વૈજ્ઞાનિક કે લેખક પણ બની શકે છે, પણ એમનું મગજ સિનેમા હોલ નથી.
બેંક અને વીમા બજારમાં આ ભેદ બહુ મોંઘો સાબિત થાય છે. વીમા એજન્ટ જ્યારે મિડલ ક્લાસ ગુજરાતી પરિવાર સામે બેસીને ડરામણા ચિત્રો ઊભા કરે—‘કાલે તમે નહીં હો તો તમારા દીકરાનું ભવિષ્ય કેવું અંધકારમય હશે’—ત્યારે સામાન્ય માણસ એ આખું દ્રશ્ય મનમાં ભાળીને ધ્રૂજી જાય છે અને પોલિસી ખરીદી લે છે. પણ જો સામે બેઠેલો ગ્રાહક અફંતાસિયા વાળો હોય, તો એના મનમાં કોઈ ભાવુક ચિત્ર બનતું નથી. એ માત્ર ગણિત જુએ છે: પ્રીમિયમ કેટલું, રિટર્ન કેટલું અને વ્યાજદર કેટલો? ઈમોશનલ માર્કેટિંગ એની સામે ફેઈલ થઈ જાય છે.
જે લોકો મનમાં ચિત્રો નથી દોરી શકતા, એમને ડરાવીને લૂંટવા આ દુનિયા માટે સૌથી અઘરું કામ છે.