← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · વિચારનો વેપાર

શ્વેત યોદ્ધા લક્ષણ

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૨૫૯

બીજાનો ઉદ્ધાર કરવાનો ચળ ઉપડે ત્યારે માણસ ખતરનાક બને છે. વ્હાઇટ નાઇટ સિન્ડ્રોમ એટલે કે શ્વેત યોદ્ધા લક્ષણ. આ કોઈ બહાદુરી નથી, એક માનસિક ગૂંચવણ છે. વ્યક્તિને સતત એવું લાગે છે કે કોઈ પીડિત છે, લાચાર છે અને પોતે સફેદ ઘોડા પર સવાર થઈને તેને બચાવવા જવું પડશે. આવા લોકો હંમેશા કોઈ મુશ્કેલીમાં પડેલી વ્યક્તિને શોધે છે. એમનો હેતુ સામેવાળાનું કલ્યાણ કરવાનો ઓછો અને પોતાને દેવદૂત સાબિત કરવાનો વધારે હોય છે.

આ વિચાર મનોવિજ્ઞાનની ઉપજ છે. મેરી લામિયા અને મેરિલીન ક્રિગર નામના મનોવિજ્ઞાનીઓએ ઈ.સ. ૨૦૦૯માં આ વિષય પર પુસ્તક લખીને આ ખ્યાલ લોકપ્રિય બનાવ્યો. ઊંડે ઊંડે આ એક નકારાત્મક સ્વાર્થ છે. પોતાના જીવનના ખાલીપા કે અસલામતીને ઢાંકવા માટે માણસ બીજાનો મસીહા બનવાનો વેશ ધારણ કરે છે. બચાવનાર વ્યક્તિ પીડિતને ક્યારેય સ્વાવલંબી બનવા દેતી નથી, કારણ કે જો પેલો સક્ષમ થઈ જાય તો આ મસીહાનું મહત્ત્વ પૂરું થઈ જાય.

આ રોગ અંગત સંબંધોથી આગળ વધીને હવે જાહેર જીવનમાં વકર્યો છે. જે ક્ષણે તમે કોઈને અસમર્થ માનીને બચાવવા દોડો છો, તે જ ક્ષણે તમે તેનું સ્વમાન છીનવી લો છો. મસીહા બનવાની લાલસામાં માણસ ઘણીવાર સામાવાળાનું મૂળ નુકસાન કરી બેસે છે. આ મદદ નથી, અહંકારનું પોષણ છે.

આજકાલ આ રોગ ટીવી સ્ટુડિયો અને ટ્વિટર પર સૌથી વધુ દેખાય છે. પ્રાઈમ ટાઈમ ન્યૂઝ એન્કર દરરોજ રાત્રે ૯ વાગ્યે ટેબલ થપથપાવીને ચીસો પાડે છે કે દેશને બચાવવાનો છે. સોશિયલ મીડિયા પર કોઈ અજાણ્યા મુદ્દે પિત્તો ગુમાવીને લોકો 'જસ્ટિસ'ના હેશટેગ ચલાવે છે. વૉટ્સએપ યુનિવર્સિટીમાં ગમે તે ફેક મેસેજ ફોરવર્ડ કરીને લોકોને ભ્રમ થાય છે કે તેઓ સમાજને જાગૃત કરી રહ્યા છે. હકીકતમાં કોઈને કશું પડી નથી. અસલ મકસદ માત્ર પોતે નીતિવાન અને સાચા હોવાનો આભાસ ઊભો કરવાનો છે.

જે માણસ આખી દુનિયાને બચાવવા નીકળે છે, એણે પહેલાં પોતાની અંદર તપાસવું પડે કે કયો કૂવો ખાલી પડ્યો છે.

વિચારનો વેપાર
← પહેલું પ્રકરણસફેદ ઝંડી પદ્ધતિઆગલું પ્રકરણ →સફેદ ટ્રાફિક લાઈટ