ક્ષણનો અનંત ભ્રમ
*— પરાગ રતનપારા*
---
જો દરેક ક્ષણ સદૈવ સહઅસ્તિત્વમાં છે, તો શું છે જે આપણને આ ક્ષણમાં હોવાનો અનુભવ કરાવે છે, આ પ્રશ્ન પૂછતાં જ મન એક એવા ભુલભુલામણીમાં પ્રવેશે છે જ્યાં દરેક વળાંક પર એક નવો પ્રશ્ન ઊભો છે અને દરેક પ્રશ્નની પાછળ એક બીજો વળાંક છે અને આ વળાંકોની શૃંખલા ક્યાંય સમાપ્ત થતી નથી કારણ કે મન — આ અદ્ભુત છતાં અત્યંત મર્યાદિત યંત્ર — પોતાની જ મર્યાદાઓની દીવાલોમાં કેદ છે, એવી દીવાલો જે પોતે જ બાંધી છે અને પોતે જ ભૂલી ગઈ છે કે ક્યારે બાંધી હતી, અને આ ભૂલી જવું એ પણ મનની એક યુક્તિ છે, એક બચાવ છે, કારણ કે જો મન સાચે જ સમજી જાય કે સમાંતર સમય એટલે ક્ષણની અનંતતા, કે આ ક્ષણ જે હમણાં છે તે કાલે પણ હતી અને કાલે પણ હશે અને હંમેશાં છે, અને માત્ર છે જ નહીં પણ દરેક બીજી ક્ષણ સાથે એકસાથે છે, એકસાથે ધબકે છે, એકસાથે શ્વાસ લે છે, તો મન તૂટી જાય, વિખરાઈ જાય, કારણ કે તે આ રીતે વિચારવા માટે બન્યું જ નથી, તે રેખીય માર્ગો પર ચાલવા માટે બન્યું છે, એક પછી એક, કારણ પછી પરિણામ, ગઈકાલ પછી આજ પછી આવતીકાલ, અને આ સરળતા — આ ભ્રામક સરળતા — એ જ તેની રક્ષા છે, તેનું કવચ છે, તેનું અસ્તિત્વ છે, કારણ કે જો તે સ્વીકારી લે કે દરેક ક્ષણ શાશ્વત છે, કે પુનરાવર્તન એ માત્ર એક સરળ સૂત્રીકરણ છે જે મન પોતાને સમજાવવા માટે વાપરે છે, જેમ કોઈ બાળકને કહીએ કે સૂરજ ઊગે છે અને આથમે છે જ્યારે સત્ય એ છે કે સૂરજ ક્યાંય જતો નથી, તેમ જ મન પોતાને કહે છે કે ક્ષણ આવે છે અને જાય છે જ્યારે સત્ય એ છે કે ક્ષણ ક્યાંય જતી નથી, તે છે, હતી, રહેશે, અને આ ત્રણેય શબ્દો પણ મનની મર્યાદા છે કારણ કે "છે", "હતી", "રહેશે" — આ ત્રણ અલગ અલગ સ્થિતિઓ નથી પણ એક જ સ્થિતિ છે જેને આપણી ભાષા — આ બીજું અણઘડ સાધન — ત્રણ ભાગમાં વહેંચી નાખે છે કારણ કે તે એક શબ્દમાં ત્રણેયને પકડી શકતી નથી, અને કદાચ કોઈ ભાષા ક્યારેય પકડી શકશે નહીં, કારણ કે ભાષા મનમાંથી જન્મી છે અને મન મર્યાદિત છે અને મર્યાદિત વસ્તુમાંથી અમર્યાદિત કેવી રીતે જન્મે, અને છતાં આપણે પ્રયાસ કરીએ છીએ, વારંવાર પ્રયાસ કરીએ છીએ, સૂત્રો રચીએ છીએ જે સત્યની નજીક છે — માત્ર નજીક, ક્યારેય સ્પર્શમાં નહીં — અને આ નિકટતા એ જ આપણી મહત્તમ સિદ્ધિ છે, આ અંદાજ, આ આશરે, આ "લગભગ", અને આ "લગભગ"માં જ આપણે જીવીએ છીએ, મરીએ છીએ, પ્રેમ કરીએ છીએ, પ્રશ્ન પૂછીએ છીએ, અને આ પ્રશ્ન પૂછવો — કે હું આ ક્ષણમાં કેમ છું — એ પોતે જ મનની મર્યાદાનો પુરાવો છે, કારણ કે જે સાચે જ સમજી ગયો છે તે પ્રશ્ન પૂછતો નથી, તે જાણે છે કે પ્રશ્ન અને ઉત્તર બંને એક જ ક્ષણમાં છે, હંમેશાં છે, અને આ "હંમેશાં" શબ્દ પણ મર્યાદિત છે કારણ કે તે સમયની અંદર રહીને શાશ્વતતા વર્ણવવાનો અશક્ય પ્રયાસ છે, જેમ કોઈ બંધ ઓરડામાં ઊભો રહીને આકાશની વિશાળતા વર્ણવે, અને છતાં આપણે વર્ણવીએ છીએ, કારણ કે આ જ આપણું કામ છે, આ જ આપણી નિયતિ છે, આ અણઘડ સાધનો વડે — મન અને ભાષા વડે — એ સૂક્ષ્મ બાબતો પકડવાનો પ્રયાસ કરવો જે પકડાતી નથી, અને આ પ્રયાસમાં જ — આ નિષ્ફળ છતાં અનિવાર્ય પ્રયાસમાં જ — કદાચ કંઈક જાગે છે, કોઈ સમજ, કોઈ ઝલક, જે શબ્દોથી પર છે, મનથી પર છે, અને એક ક્ષણ માટે — જો ક્ષણ શબ્દ વાપરી શકીએ તો — આપણે અનુભવીએ છીએ કે આપણે અહીં છીએ, અને "અહીં" એ બધે છે, અને "હમણાં" એ હંમેશાં છે, અને આ અનુભવ વર્ણવી શકાતો નથી, માત્ર થઈ શકે છે, અને પછી મન પાછું આવે છે, તેની દીવાલો પાછી ઊભી થાય છે, અને આપણે ફરી પ્રશ્ન પૂછીએ છીએ, ફરી શબ્દોમાં ફસાઈએ છીએ, અને આ ફસાવું એ પણ યાત્રાનો ભાગ છે, કદાચ.
---
*— પરાગ રતનપારા*