← મુખપૃષ્ઠ · સમાજ અને વ્યંગ

મેડ ઇન ઇન્ડિયા, ઠંડક ઇમ્પોર્ટેડ

૧૭ ઓક્ટોબર ૨૦૨૬નિબંધ

**Made in India, Thanda by China**
**મેડ ઇન ઇન્ડિયા, ઠંડક ઇમ્પોર્ટેડ**

પરાગ રતનપરા

ગયા ઉનાળે અમારી સોસાયટીના રમણીકભાઈએ નવું એસી લીધું. બોક્સ ખોલતા પહેલાં એમણે આખી સોસાયટીને એક જ વાક્ય સંભળાવ્યું: "જુઓ, મેડ ઇન ઇન્ડિયા છે. હવે આપણે ચાઇનાનું કંઈ લેતા નથી." પછી એમણે એ જ બોક્સનો ફોટો ચાઇનીઝ મોબાઇલથી પાડ્યો અને ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં "આત્મનિર્ભર ભારત 🇮🇳💪" લખીને મોકલ્યો. ગ્રુપમાં એકત્રીસ લોકોએ અંગૂઠો આપ્યો. એમાંથી ઓગણત્રીસ અંગૂઠા પણ ચાઇનીઝ ફોનમાંથી જ આવ્યા હતા.

હવે જરા એ દેશભક્ત એસીનું પોસ્ટમોર્ટમ કરીએ. કોમ્પ્રેસર, જે એસીનું હૃદય છે, એ જાપાન, કોરિયા કે ચીનથી આવે છે. ઇન્વર્ટર કંટ્રોલ પીસીબી, એટલે કે એસીનું મગજ, ચીનનું. ઇવેપોરેટર ચીનનું, કન્ડેન્સર જાપાનનું, એક્સપાન્શન વાલ્વ ચીનનો. પ્રેશર સેન્સર ચીનના, ટેમ્પરેચર સેન્સર પણ ચીનના. મતલબ, તમારા રૂમમાં ગરમી લાગે છે કે ઠંડી, એ પણ હવે બેઇજિંગ નક્કી કરે છે. અને જે ગેસ ભરીને ઠંડક આવે છે, એ રેફ્રિજરન્ટ પણ ચીનનો. આપણો પોતાનો ગેસ તો આપણે ચા પીતાં પીતાં ઓટલા પર છોડીએ છીએ, એનાથી એસી નથી ચાલતું.

તો ભારતનું શું છે? ફેન મોટર, કેબિનેટ, ચેસિસ, ઇન્સ્યુલેશન અને કોપર ટ્યુબિંગ. એટલે કે અવાજ કરતો પંખો આપણો, બહારનું ખોખું આપણું, અને વીંટાળવાનું પેકિંગ આપણું. ગમ્મત એ છે કે આ જ આપણી રાષ્ટ્રીય ખાસિયતો પણ છે. અવાજ કરવામાં આપણને કોઈ પહોંચે નહીં, બહારનો દેખાવ સાચવવામાં આપણે વિશ્વગુરુ છીએ, અને સચ્ચાઈથી પોતાને ઇન્સ્યુલેટ કરવામાં તો આપણી માસ્ટરી છે. કોપર ટ્યુબિંગ પણ આપણી જ હોય, કારણ કે "કનેક્શન" ગોઠવવામાં આપણાથી મોટો એક્સપર્ટ કોણ?

આંકડો સાંભળો: કુલ સપ્લાય ચેઇનનો લગભગ સડસઠ ટકા માલ ઇમ્પોર્ટેડ છે. અને સો ડોલરના મેન્યુફેક્ચરિંગ મૂલ્યમાંથી ભારતમાં ખરેખર થતું કામ માત્ર છ ડોલર ત્રીસ સેન્ટનું છે. આ એવું છે કે લગ્નમાં વરરાજા, ગોર મહારાજ, રસોઇયા અને બેન્ડવાજાં બધું બહારથી આવ્યું હોય, આપણે ફક્ત મંડપના વાંસ ઊભા કર્યા હોય, અને પછી આખી નાતમાં કહેતા ફરીએ કે "લગ્ન તો અમે કરાવ્યાં!" સો રૂપિયાની થાળીમાં આપણે ફક્ત થાળી અને મીઠું મૂક્યું છે, પણ ઓડકાર આખી થાળીનો ખાઈએ છીએ.

આપણા સમાજનો વિરોધાભાસ જુઓ. દિવાળીમાં ચાઇનીઝ તોરણ અને લાઇટનો બહિષ્કાર કરવાના મેસેજ ફરે છે. લોકો ગર્વથી માટીના દીવા ખરીદે છે, ફોટો પાડે છે, સ્ટેટસ મૂકે છે. અને પછી એ જ રૂમમાં બેસીને, ચાઇનીઝ કોમ્પ્રેસરની ઠંડકમાં, ચાઇનીઝ ચિપવાળા ટીવી પર ચાઇના વિરુદ્ધની ડિબેટ જુએ છે. બહિષ્કાર પણ આપણે એ જ વસ્તુનો કરીએ છીએ જે સસ્તી અને દેખાતી હોય. જે મોંઘું અને અંદર છુપાયેલું હોય, એના વિશે આપણું રાષ્ટ્રપ્રેમ ગજબનું મૌન પાળે છે. કારણ કે દેશભક્તિ પણ આપણે ત્યાં દેખાવ પૂરતી જ હોય છે, બરાબર પેલા એસીના કેબિનેટ જેવી.

અને અહીં જ આપણો અહંકાર જાગે છે. કોઈ આ સવાલ પૂછે તો તરત જવાબ મળે: "તમે નકારાત્મક છો. દેશની પ્રગતિ તમને દેખાતી નથી." સાહેબ, પ્રગતિ દેખાય છે, પણ સ્ટીકર અને સિદ્ધિ વચ્ચેનો ફરક પણ દેખાય છે. "મેડ ઇન ઇન્ડિયા"નું સ્ટીકર ભારતમાં જ છપાયું છે, એમાં કોઈ શંકા નથી. એ સો ટકા સ્વદેશી છે. ખરેખર તો એસીનો સૌથી વધુ ભારતીય ભાગ એ સ્ટીકર જ છે.

પાછા રમણીકભાઈ પર આવીએ. એક દિવસ એમનું એસી બગડ્યું. મિકેનિક આવ્યો, ખોલીને જોયું અને બોલ્યો, "કાકા, પીસીબી ઊડી ગયું છે. પાર્ટ ચાઇનાથી આવશે, પંદર દિવસ લાગશે." રમણીકભાઈ પરસેવો લૂછતાં બોલ્યા, "પણ આ તો મેડ ઇન ઇન્ડિયા છે ને?" મિકેનિક હસ્યો, "હા કાકા, ખોખું ગેરંટીવાળું છે. ખોખું ક્યારેય નહીં બગડે." ગરમી ભારતીય હતી, રાહ ભારતીય હતી, ફક્ત ઠંડક વિદેશી હતી.

હવે વાત એમ નથી કે એસેમ્બલી કરવી ખોટી છે. દરેક દેશ શરૂઆત જોડાણથી જ કરે છે. જાપાન અને કોરિયાએ પણ એક જમાનામાં બીજાના પાર્ટ્સ જોડ્યા હતા. ફરક એટલો કે એમણે જોડતાં જોડતાં બનાવતાં શીખી લીધું, અને ઉજવણી પછી કરી. આપણે ઉલટું કર્યું છે. ઉજવણી પહેલાં કરી લીધી, અને બનાવતાં શીખવાનું "પછી જોઈશું" પર મૂક્યું છે. જ્યાં સુધી કોમ્પ્રેસર, ચિપ અને સેન્સર આપણી ફેક્ટરીમાં નહીં બને, ત્યાં સુધી "આત્મનિર્ભર" શબ્દ પણ એસી જેવો જ છે: બહારથી ઠંડો, અંદરથી ઇમ્પોર્ટેડ.

એટલે આ ઉનાળે જ્યારે તમે રિમોટ ઉઠાવી ટેમ્પરેચર ચોવીસ પર કરો, ત્યારે એક સેકન્ડ વિચારજો. તમારા હાથમાં જે બટન છે, એ દબાવવાની આંગળી સો ટકા ભારતીય છે. બાકીનું બધું એક ગ્લોબલ ભાગીદારી છે. અને એમાં વાંધો નથી. વાંધો ત્યારે છે જ્યારે છ ડોલરની ભાગીદારીને આપણે સો ડોલરનો ગર્વ બનાવી દઈએ છીએ.

**સાચી પણ વિચિત્ર હકીકતો (Real but Weird Facts)**

- દુનિયાનું પહેલું આધુનિક એસી ૧૯૦૨માં વિલિસ કેરિયરે માણસોને ઠંડક આપવા નહીં, પણ ન્યૂયોર્કના એક પ્રિન્ટિંગ પ્રેસમાં ભેજના કારણે કાગળ ફૂલી જતો અટકાવવા બનાવ્યું હતું. એટલે એસીની શોધ માણસ માટે નહીં, કાગળ માટે થઈ હતી.
- ભારતમાં કરોડો લોકો ગરમીમાં તરફડે છે, છતાં અંદાજે દસમાંથી માંડ એક ઘરમાં જ એસી છે. દેશમાં એસી કરતાં એસી વિશેની ચર્ચા વધારે છે.
- ભારત સરકારે ૨૦૨૧માં એસી અને એલઈડીના પાર્ટ્સ દેશમાં બનાવવા માટે ખાસ PLI યોજના શરૂ કરી, એટલે કે સરકારે પોતે સત્તાવાર રીતે સ્વીકાર્યું કે "મેડ ઇન ઇન્ડિયા" એસીનું અંદરનું મહત્ત્વનું કામ હજુ ભારતમાં થતું નથી.

પરાગ રતનપરા

If you like it, please share it.

#MakeInIndia #Aatmanirbhar #SupplyChain #GujaratiSatire
#મેડઇનઇન્ડિયા #આત્મનિર્ભર #ગુજરાતીલેખ #વ્યંગ

આત્મચિંતનસ્માર્ટફોનભારતચીન
← પહેલો લેખવંદો વિરુદ્ધ મતદાર યાદી: AIના યુગમાં બેરિકેડની લડાઈઆગલો લેખ →કીડીએ તેલ ભર્યું, તીતીઘોડાએ રિબન કાપી